ભિલોડા,તા.૧૬
અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ૮ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શામળાજી નજીક અણસોલ જૂથ શાળા પાસે સ્કૂલના બાળકોને રોડ પર બેસાડીને તેમની સાથે ગામલોકોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતાં ૧૦ કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી. ચક્કાજામને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કિમીના અંતરમાં ૯ જેટલા ફ્લાયઓવર, ૯ અંડર બ્રિજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે.
સ્કૂલ નજીક પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે અણસોલના ગામલોકોએ સ્કૂલની સામે જ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જેને પગલે ભિલોડા મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે ગામલોકોએ તેમની પાસે લેખિતમાં જ બાંહેધરીની માંગ કરી હતી. જો કે, માંગ ન સંતોષાતા ૩ કલાકથી વધારે સમયથી ટ્રાફિકજામ થયો છે. વાહનોની કતારો ૧૦ કિમી લાંબી થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


