હળવદ,તા.૧૯
માળીયા-કચ્છ હાઈવે રોડ પર અવારનવાર અકસ્માતોના બનાવો બને છે ત્યારે વધુ એક અકસ્માત હળવદના ધનાળાના પાટીયા પાસે વહેલી સવારે બન્યો હતો. લોખંડની પાઈપ ભરી બુધવારે નવલખી બંદરેથી નીકળેલું ટ્રેલર ગુરુવારે વહેલી સવારે ધનાળાના પાટીયા નજીક હાઈવે પર પહોંચ્યા ત્યારે એકાએક ટ્રેલરચાલક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રેલર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. જેમાં રાજસ્થાનના ચિત્તોડ જિલ્લાના ભીલલોલ ગામના રહીશ એવો ટ્રેલરનો ડ્રાઈવર ગરમરાજ હિરાલાલ ડાંગી (ઉ.વ. ૩૦ વર્ષ) અને ક્લિનર નારાયણ ભટ્ટ લાલ ડાંગી પટેલ (ઉ.વ. ૨૪ વર્ષ) બંને ટ્રેલર નીચે ફસાતાં બચાવો બચાવોની બૂમો પાડી હતી.
કોઈ વાહન ચાલક ઊભા રહેતા ન હતા ત્યારે મોરબીના ઉદ્યોગપતિ અને મિલેનિયમ ગ્રુપના માલિક મનસુખ કોરડીયા તેમના સસરાંનું કેન્સરનું ઓપરેશન અમદાવાદ ખાતે હતું. તેથી તેઓ કાર લઈને હોસ્પિટલ જતા હતા ત્યારે તેમની કારના ડ્રાઈવર રાજુ રબારીએ ટ્રેલરમાં ફસાયેલા બે વ્યક્તિઓની બૂમો સંભાળીને કાર રોકી હતી ત્યારે બાદ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી. પરંતુ ફસાયેલા બે વ્યક્તિઓ કોઈપણ સંજોગોમાં બહાર આવે તેવી શક્યતા ન હતી તેથી મોરબી ચોકડી નજીક પહોંચીને હાઈડ્રોલિક મશીનને બોલાવી હતી. ત્રણ કલાક બાદ બંનેને બહાર કાઢયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



