હારીજ,તા.૩
નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના રાજીનામા બાદ નવા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી પાલિકાના મિટિંગ હોલ ખાતે પ્રાંત ઓફિસર રીટાબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકર અને કારોબારી અધ્યક્ષ તરીકે ભાવનાબેન એમ ઠાકોરની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી.
હારીજ ખાતે પંદર માસ પહેલા યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપા ૧૭ અને કાંગ્રેસ ૭ બેઠકો પર વિજયી બન્યું હતું. ભાજપા ચૂંટણીમાં બહુમતી સાથે વિજેતા થતા ભાજપાની પાલિકા રચાઇ હતી. જેમાં પ્રમુખની ખુરશી માટે અઢી વર્ષ મહિલા સામાન્ય બેઠક છે. જ્યારે પાછલા અઢી વર્ષ અનુસૂચિત જાતિની બેઠક હોઇ પ્રથમ સામાન્ય સ્ત્રી બેઠક માટે પક્ષ દ્વારા લલિતાબેન ફરશુરામ ઠક્કરને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં સવા વર્ષ પ્રમુખ તરીકે કામગીરી કર્યા બાદ ૯ મેના રોજ પાલિકા ચીફ ઓફિસરને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. જ્યારે કારોબારી અધ્યક્ષ ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકરે પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



