શ્રીનગર,તા.૨૧
દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ અને પથ્થરબાજાનું જોર વધ્યું હોવાથી અમરનાથ યાત્રાની સુરક્ષાની ચિંતા વધી હોવાના સમાચાર મળ્યા હતા. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ૧લી જુલાઇથી શરૂ થનાર અમરનાથ યાત્રાને સુરક્ષિત કરવા માટે હજારો સૈનિકોએ દક્ષિણ કાશ્મીરમાં મોટે પાયે તપાસ અભિયાન શરૂ કર્યા છે.
અત્યાર સુધી અમરનાથ યાત્રા અગાઉ સેના ત્રાસવાદીઓને આ વિસ્તારમાંથી ભગાડવાનો પ્રયત્ન કરતી હતી, પણ હવે તો શોધો અને ઠાર કરોની નીતિ અપનાવવાની છૂટ આપવામાં આવી છે.
સેના અધિકારીઓના મતે સમગ્ર રાજ્યમાં વધી રહેલા ત્રાસવાદી હુમલા એ દર્શાવે છે કે ત્રાસવાદીઓ હવે હતાશ થયા છે અને આ હતાશા સેનાએ શરૂ કરેલી ‘શોધો અને ઠાર મારો’ની નીતિને આભારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિપરીત મોસમને નજરઅંદાજ કરતા અમરનાથ ગુફા તરફ જવાના રસ્તાને સુરક્ષિત કરવા માટે સૈનિકોને તહેનાત કરવાનું કાર્ય જોશભેર ચાલી રહ્યું છે. સેના યાત્રા અગાઉ જ સમગ્ર વિસ્તારને ત્રાસવાદમુક્ત કરવા માગે છે.
સત્તાવાર માહિતી પ્રમાણે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ૩૫૦૦૦ અર્ધલશ્કરી દળના જવાનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત સેનાના જવાનો અને રાજ્યના પોલીસ કેટલા હશે, એ વાત જાહેર નથી કરાઇ. એક અંદાજ પ્રમાણે બધા મળીને એક લાખ જેટલા જવાનો લખનપુર પ્રવેશદ્વારથી માંડીને અમરનાથ ગુફા સુધી યાત્રીઓની સુરક્ષા કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



