સુરત,તા.૨
લિંબાયત વિસ્તારમાં માસૂમ ત્રણ વર્ષની બાળકી સાથે બર્બરતા પૂર્ણ રીતે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને દાખલા રૂપ સજા સુરત સેશન્સ કોર્ટ દ્વારા ગણતરીના દિવસોમાં આપવામાં આવી હતી. આ કેસમાં રાજ્ય સરકાર, કોર્ટ અને વકીલો અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચોતરફથી સરાહના થઈ રહી છે. પરંતુ શહેરમાં છેલ્લા એકાદ વર્ષના ટૂંકા ગાળામાં જ આઠ બાળકીઓને નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી છે જેને હવે આગામી દિવસોમાં આવી જ સજા મળે તેવું પીડિત પરિવાર ઈચ્છી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે દિલ્હીના નિર્ભયા કેસ બાદ દુષ્કર્મના કાયદા ૩૭૬ની કલમમાં ફાંસીની સજા થઈ શકે તેવો સુધારો કર્યા બાદ સુરતનો સંભવતઃ આ પ્રથમ કિસ્સો ગુજરાતનો હતો જેમાં આરોપીને ફાંસીની સજા થઈ છે.
નરાધમો માટે બાળકીઓને હવસની શિકાર બનાવવું આસાન હોય તેમ શહેરના અમરોલી વિસ્તારમાં બે, પાંડેસરા વિસ્તારમાં બે, ઈચ્છાપોરમાં એક, સચિનમાં એક, કતારગામમાં એક અને ચોકબજાર વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેનમાં એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. પરિવારની જાગૃતતાના કારણે બાળકીઓના પરિવાજનોએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યાં હતાં. આ પ્રકારના કેસમાં મોટાભાગે આરોપીઓને ઝડપી લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


