ચંદીગઢ,તા.૨૦
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના પાંચ જવાનો (પંજાબ અને હિમાચલ)ના પરિવારોને ૫-૫ લાખ રૂપિયાની સહાય કરી છે.
મહત્વનું છે કે, ગત મહિને જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા, જેમાંથી પાંચનો સંબંધ પંજાબ અને હિમાચલ સાથે હતો.
ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન અને સીઆરપીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) વીકે કૌંદલની હાજરીમાં શહીદ જવાનો જયમલ સિંહ, સુખજિંદર સિંહ, મનિંદર સિંહ, કુલવિંદર સિંહ અને તિલક રાજના પરિવારોને ચેક આપવામાં આવ્યા હતા.
આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોને મદદ માટે સેના રાહત કોષ અને રાષ્ટ્રીય રક્ષા કોષમાં ૨૦ કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૩ માર્ચે આઈપીએલના પ્રથમ દિવસે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને આમંત્રિત કર્યા છે અને અહીં આ રકમ આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



