વડોદરા,તા.૨૪
વડોદરા શહેર નજીક અંકોડિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બાળકને જાઇને પેટ્રોલિંગ કરી રહેલો પોલીસ કર્મી ડાયાભાઇ મહેરીયા કેનાલ કૂદી પડ્યો હતો. અને દોરડા વડે બાળકને બચાવી લીધો હતો. અને તેના પરિવારજનોને સોંપ્યો હતો.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ડાયભાઇ ચીકાભાઇ મહેરીયા અને અશોકભાઇ અંબારામભાઇ કણઝરીયા સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ અંકોડિયા નર્મદા કેનાલીની આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે ૩ બાળકો નર્મદા કેનાલ પાસે ઉભા હતા. અને બુમાબુમ કરીને કેનાલ તરફ ઇશારાઓ કરી રહ્યા હતા. જેથી પીસીઆર વાનના ડ્રાઇવર ડાયાભાઇ મહેરીયાએ કેનાલ પાસે પહોંચી ગયા હતા. જ્યાં વિપુલ સોમાભાઇ બારીયા નામનો બાળક કેનાલમાં ડૂબી રહ્યો હતો. એક ક્ષણનો પણ વિચાર કર્યાં વીના પોલીસ યુનિફોર્મમાં જ ડાયાભાઇ મહેરીયા કેનાલમાં કૂદી ગયા હતા. અને ડૂબી રહેલા બાળકને પકડી લીધો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ કણઝરીયાએ બીજી ગાડીનો સંપર્ક કરીને બચાવ માટે દોરડું મંગાવ્યું હતું. જેથી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સિંધવ દોરડું લઇને કેનાલ પર પહોંચી ગયા હતા. અને ડાયાભાઇ દોરડા વડે બાળકને બચાવી દીધો હતો. અને તેના પિતાને બોલાવીને બાળકને સોંપી દીધો હતો. બાળકના પિતાએ પોલીસ કર્મીઓનો આભાર માન્યો હતો.
વિપુલ સોમાભાઇ બારીયા અંકોડિયા ગામની સીમમાં રહે છે. અને તેનું મૂળ વતન દાહોદ જિલ્લાનું ટીડોલિયા છે. અને તે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



