રાજપીપલા: સમગ્ર ગુજરાતમાં આજે તા. ૧ લી મે, ૨૦૧૮ થી પ્રારંભાયેલા સુજલામ સુજલામ જળ સંચયના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામ ખાતેથી ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ગામ તળાવ ઉડું કરવાના કામના ખાતમુહુર્ત સાથે જાડેજાએ નર્મદા જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાત અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, પ્રભારી સચિવ એસ.જે. હૈદર, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણીઓ ઘનશ્યામભાઇ દેસાઇ, રમણસિંહ રાઠોડ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ સહિત જિલ્લા અન્ય પદાધિકારીઓ/ અધિકારીઓ/ ગ્રામજનો/ પ્રજાજનો વગેરે મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાયાં હતાં.

જિલ્લાનાં ભદામ ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકતાં રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજના ૫૮ મા રાજ્ય સ્થાપના દિન – ગુજરાત ગૌરવ દિનની શુભકામના સાથે ગૌરવશાળી ગુજરાત સમગ્ર દેશ અને વિશ્વમાં પણ પ્રથમ ક્રમનું રાજ્ય બની રહે તેવી સૌ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરના કોસમડી ગામે ૨૬ હેક્ટર કરતાં પણ વિશાળ તળાવને ઉંડુ કરીને જળસંગ્રહ શક્તિમાં વધારો કરવાના કામનો ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પ્રારંભ કરાવ્યો છે. તેની સાથે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં પણ મંત્રીઓનાં હસ્તે આજે આ અભિયાનનો પ્રારંભ કરાયો છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ અંદાજે રૂા. ૨ કરોડથી પણ વધુનાં ખર્ચે લોકભાગીદારીથી ૭૦ જેટલા તળાવો અને મનરેગા હેઠળ ૪૬ તળાવો મળી કુલ- ૧૧૬ જેટલા તળાવો ઉંડા કરવાનું, ૮૦ ચેકડેમનું ડીસીલ્ટીંગ, ૧૦૦ ચેકડેમનું રીપેરીંગ, ૪૬ ખેતતલાવડી, ૧૫ વન તળાવનાં કામો ઉપરાંત ૩૫ જગ્યાએ કાંસની સફાઇ, ૩ જગ્યાએ નહેરોની સફાઇ, ૭૫ જગ્યાએ માટીનાં પાળાના કામથી જળસંગ્રહ, એર-વાલ્વની દુરસ્તીના કામો હાથ ઉપર લેવાયા છે. પાણીનું એક ટીપુ પણ સંગ્રહ કરવામાં આપણે સફળ રહીશું તો જળ એ જ જીવન છે તે ઉક્તિને આપણે સાચા અર્થમાં સાર્થક કરી શકીશું. આ અભિયાનમાં સૌ કોઇનું નાનુ સરખું યોગદાન પણ ખૂબ જ ઉપયોગી બની રહેવાનું છે, ત્યારે સુજલામ સુફલામ જળસંચયના આ અભિયાનમાં વિવિધ સામાજિક-સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાઓ, સાધુ સંતો, મહંતો અને તમામ પ્રજા વર્ગ-સમૂહને જાડેજા એ જોડાવા હ્રદયસ્પર્શી અપીલ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, તા.૩૧ મી મે, ૨૦૧૮ સુધી ચાલનારા આ અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં ૧૩,૦૦૦ જેટલા તળાવો-ચેકડેમો ઉંડા કરવાના કામથી ૧૧ લાખ ઘન ફુટ પાણીનાં સંગ્રહ માટે ૪,૦૦૦ થી વધુ જેસીબી મશીન અને ૮,૦૦૦ થી વધુ ટ્રેક્ટર-ડમ્પરનો ઉપયોગ કરાશે. ખેડૂતો આ માટી-કાંપનો ઉપયોગ નિઃશુલ્ક કરી શકશે અને તેના માટે ખનીજ વિભાગનાં પ્રતિબંધો પણ હટાવી લેવાયાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અભિયાનના ખર્ચમાં રાજ્ય સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ પણ જનભાગીદારીથી તેમનું યોગદાન નોંધાવાના છે. ગુજરાતના ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળે તો ખેડૂતો સારી ખેતી કરી શકે છે અને તેને અનુલક્ષીને જ રાજ્યભરમાં આ અભિયાન થકી જલ મંદિરો બનાવીને ભૂગર્ભ જળની સપાટી ઉંચી લાવીને પાણીનો મહત્તમ ઉપયોગ કરાય તેવું વર્ષો પછી આ વિક્રમી અભિયાન હાથ ધરાયું હોવાનું જાડેજાએ ઉમેર્યું હતું.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજનાં ગરીબ-દલિત શોષિત અને આદિવાસી સમુદાય માટે અનેકવિધ નવા પ્રકલ્પો-આયામો અને યોજનાઓનાં અમલ સાથે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે, ત્યારે મુખ્યમંત્રી મા-અમૃતમ યોજનાની આવક મર્યાદામાં વધારો કરીને હવે રૂા. ૩ લાખ સુધીની આવકવાળા લાભાર્થીઓને પણ આ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેની સાથોસાથ એપ્રેન્ટીસશીપ માટે કૌશલ્ય વધારવા માટે આ વખતે બજેટમાં રૂા. ૨૭૫ કરોડની જોગવાઇ કરીને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળના સ્ટાઇપન્ડમાં પણ અનુક્રમે રૂા.૩,૦૦૦/- અને રૂા.૧,૫૦૦/- ચૂકવવાની યોજનાનો પ્રારંભ કરાયો છે.
ગત ૨૦૦૧-૨૦૧૪ દરમિયાન ગુજરાતમાં વિકાસનો મહા યજ્ઞ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી અને દેશનાં હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વનાં દેશોમાં સવાસો કરોડ ભારતીયોને ગૌરવ અપાવવાનું કામ કરવાની સાથે ગુજરાતનાં વિકાસ માટે હંમેશા ચિંતા કરી છે. ગુજરાતની સ્થાપનામાં અનેક નામી-અનામી શહિદોની શહાદત અને બલિદાનની સ્મૃતિને વાગોળતા મંત્રીએ તેમની કલ્પનાના આધાર ઉપર સમાજના દીન-દુઃખિયાની સેવા અને વિકાસ થકી સમાજની મુખ્ય ધારામાં તેઓ જોડાય તેવા સરકારના પ્રયાસોમાં સૌને સહભાગી બનવાની સાથે ૨૧ મી સદીના ભારતનો ડંકો વિશ્વમાં વાગે તે દિશામાં સૌને કટિબધ્ધ થવાની પણ જાડેજાએ હિમાયત કરી હતી.
સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબનાં એક અખંડ ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેના આયામ સાથે હાથધ ધરાયેલ ૧૮૨ મીટરની સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નો પ્રોજેક્ટ સાકાર થયેથી આ વિસ્તાર વિશ્વનાં પ્રવાસન નકશા ઉપર અંકિત થશે અને તેના અનેક ફાયદાઓ આ જિલ્લાને પ્રાપ્ત થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સમગ્ર ગુજરાતમાં એક માસ સુધી ચાલનારા અને વરસાદી પાણીના સંગ્રહ માટેના આ અભૂતપૂર્વ અભિયાનની રૂપરેખા આપી તેમાં સૌને સહભાગી બનવાનો તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહિલા અગ્રણીઓ ભારતીબેન તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ, ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ ઉપરાંત કિરણભાઇ વસાવા, ભગવાનદાસ પટેલ, ભદામના સરપંચ શૈલેષભાઇ વસાવા, નિવાસી અધિક કલેક્ટર ડી.કે. બારીયા, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા સહિત જિલ્લાનાં વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ, વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





