નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી લગભગ દરરોજ વધી રહેલી પેટ્રોલ – ડીઝલની કિંમતો બધાં જ મેટ્રો શહેરોમાં એપ્રિલ મહિનાની ૨૪મીથી વધતી અટકી ગઈ છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ. ૭૪.૬૩, કોલકતામાં રૂ. ૭૭.૩૨, ચેન્નાઇમાં રૂ. ૭૭.૪૩ અને મુંબઈમાં રૂ. ૮૨.૪૮ રહી હતી. ગયા મંગળવાથી ચારે મેટ્રો સિટીમાં આ જ ભાવસપાટી જળવાઇ રહી છે.
સરકારની માલિકીની તેલ વિતરણ કંપનીઓ (ઓએમસી) આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલએ ગયા વર્ષે બળતણોની કિંમતો રોજના ધોરણે ઠરાવવાનો નિર્ણય લીધો ત્યારબાદ આ સતત બીજી વખત છે જયારે પેટ્રો પેદાશોના ભાવ વધ્યા ન હોય. આ અગાઉ આ જ મહિના (એપ્રિલ)ની ૧૬-૧૯ તારીખ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા.
આગામી મહિને કર્ણાટક રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ (૧૨મી મે) યોજાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપા) માટે આ ચૂંટણી જીતવી અતિ મહત્ત્વની છે. જો ઓએમસી દૈનિક ધોરણે ભાવવધારો જાહેર કરતી રહે તો કંન્ટ્રીમાં શાસન કરી રહેલી સરકારના એન્ટી ઈન્કમબન્સીનો ફટકો ભાજપ માટે કર્ણાટકમાં વધુ ઘેરો બની શકવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
ઓએમસી દ્વારા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારો સપ્તાહથી રોકી રાખવામાં આવ્યો હોવાનું એ પરથી ફલિત થાય છે કે આ સમયગાળા દરમિયાન વિદેશી બજારોમાં ક્રૂડતેલની કિંમતો વધવાનું સાતત્ય જળવાઇ રહ્યું છે. સોમવારે પણ ક્રૂડતેલનો ભાવ વિદેશી બજારમાં બેરલદીઠ ૭૪.૫૦ ડૉલર રહ્યો હતો.
જો કે, આ બાબતે સરકાર દ્વારા કોઈ હસ્તક્ષેપ અથવા પેટ્રોલ – ડીઝલની કિંમતો ઘટાડવાને મુદ્દે કોઈ શકયતા હોવાની વાત નકારી કઢાઇ છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તેમ જ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોને લગતાં ખાતાનાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ, બંનેએ પેટ્રો પેદાશોની કિંમતો ઘટાડવા આબકારી જકાતમાં રાહત આપવાની બાબત નકારી કાઢી છે. તેમ જ, ઓએમસી સ્વાયત્તપણે કાર્યરત છે અને કિંમતો બાબતે અમારી કોઈ દખલગીરી ન હોવાનો દાવો પ્રધાને કર્યો હતો.
પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં જો હવે બારમી મેના મધરાતે અથવા ૧૩મી મેના સવારે તેલ વિતરણ કંપનીઓ દ્વારા ભાવવધારાની જાહેરાત થાય તો આપણે શું સમજવું? તમે સમજી ગયા ને!!!
Mumbai samachar
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







