ગાંધીધામમાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા CMના કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન કરાયો, વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત

0
211

ગાંધીધામ:‌ ગાંધીધામમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો શહેર કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસે નગરપાલિકાના ભ્રષ્ટાચારના વિકાસકામોનું લોકાર્પણ થતું હોવાના મુદ્દે એરપોર્ટથી લઈ ગાંધીધામના ઓમ સિનેપ્લેક્સ સુધી કાળા વાવટાં બતાડી વિરોધ કર્યો હતો.

વિરોધ કાર્યક્રમના પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને ભચાઉ લઈ જઈ છોડી મુક્યા હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ સમીપ જોશીએ જણાવ્યું છે. બીજી તરફ, દલિત અધિકાર મંચે દલિતોને થઈ રહેલાં વિવિધ અન્યાય મુદ્દે સિંધુભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દલિત અધિકાર મંચના કન્વિનર નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે, બે વર્ષ પૂર્વે ગાંધીધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 કરોડના ખર્ચે બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી ભાજપ સરકારે એક ઈંટ પણ મુકી નથી. ભીમાસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જોડાંનો હાર પહેરાવનારાં અને ફેસબૂક પર મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ વિશે અભદ્ર ટીકાટીપ્પણીઓ કરનારાઓને ગુજરાતની હાઈટેક પોલીસ હજુ સુધી પકડી શકી નથી. તો, એસસી-એસટી એક્ટમાં સુપ્રીમે કરેલાં સુધારા સામે સરકારે વટહુકમ જારી કર્યો નથી તે સહિતના મુદ્દે દલિતોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, સીએમના કાફલાનું આગમન થાય તે પૂર્વ પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. વિરોધ કાર્યક્રમમાં જોડાયેલાં નરેશ મહેશ્વરી, અખિલ કચ્છ મેઘવંશી સમાજના પ્રમુખ ચાંપશી ધેડા, મંચના દયાલભાઈ વણકર, ભચુભાઈ પિંગોલ, રમણીક ગરવા વગેરે સહિત વિવિધ કાર્યકરોની પોલીસ અટકાયત કરી પાંચ-પાંચ સાત-સાત જણાના અલગ અલગ ગૃપ પાડી કંડલા, અંજાર અને ભચાઉ એમ અલગ અલગ પોલીસ મથકે લઈ ગઈ હતી. દરમિયાન, ગાંધીધામમાં એક પોલીસ જવાને મંચના કાર્યકર સાથે ગાળાગાળી કરી અસભ્ય વર્તન કરતાં મંચે પોલીસ મથકે લેખીત રજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY