ગાંધીનગર,તા.૧૬
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી ૨૯ લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ ૧૧૦ પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત ૧૨૪ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૯૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં ૯ ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના ૪૮ તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં દરિયા તોફાની બનતા એક ટગ દરિયામાં ફસાઈ છે. પવનને કારણે જૂની દીવાદાંડી નજીક આ ટગ આવી પહોંચી હતી. બોટમાં રહેલા છ લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર ખેંચાઇ આવેલી ટગનું નામ હેન્કી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સાબરી નદી બે કાંઠે વહી રહી છે. નદી પર આવેલા સાબરી ડેમના આઠ દરવાજા બે દિવસમાં ત્રીજાવાર ખોલાય છે. દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા માણેકવાડા ગામમાં પાણી ફરી વળ્યા છે.
સુરતમાં ભારે વરસાદથી ઓલપાડ-કીમ સ્ટેટ હાઈ-વે બંધ કરવાની ફરજ પડી છે. ટકારમાં રોડ પર પાણી ફરી વળતા હાઇવે પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. હાઇવે બંધ થતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા છે.
નવસારીમાં ભારે વરસાદને કારણે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલો ૧૦૦ વર્ષ જૂનો વડલો જમીનદોસ્ત થઈ ગયો હતો. વડનું વૃક્ષ ઉખડી જતાં તંત્રએ રસ્તો ખાલી કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





