રાજકોટ,તા.૨૨
ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આ વર્ષે ઘણો ઓછો વરસાદ પડ્યો છે. મોટાભાગના જિલ્લાઓ કોરા રહ્યા છે જેમાં કચ્છની હાલત સૌથી કફોડી બની છે. જગતાતને અત્યારથી જ દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ઉનાળામાં કેવી સ્થિતિ થશે તેના હજુ અંદાજ મંડાઇ રહ્યા છે, પણ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા કચ્છમાં ઉનાળે થનારી સ્થિતિ અત્યારથી જ આવી ગઇ છે. કચ્છમાં ઘાસચારો ખલાસ થઈ ગયો છે ત્યાં પશુપાલન પર નભતા પરિવારોની હાલત કફોડી બની ગઇ છે. પશુપાલકો માલ-ઢોર સાથે કચ્છમાંથી હિજરત કરવા લાગ્યા છે. રાજકોટના પાદરમાં ૧૨૦૦થી વધુ ગાયો સાથે કચ્છના માલધારીઓએ આશરો મેળવ્યો છે.
કચ્છી પશુપાલકો માલઢોરને જીવથી પણ વહાલા ગણે છે એટલે કોઈપણ ભોગે છોડતા નથી. બીજી તરફ પશુઓ માટે ઘાસચારો પણ ખરીદી શકતા નથી.આથી કચ્છથી ૧૩ પરિવારો પોતાની ૧૨૦૦ ગાયો લઇને મદદની શોધમાં રાજકોટ આવ્યા છે. રાજકોટની ભાગોળે ન્યારાના પાટિયે હોટેલ ધરાવતા પરિવારે તમામ ગાયો અને પરિવારોને રોડ પર આવેલા તેમના પ્લોટમાં આશરો આપ્યો છે જ્યાં આ પરિવારો ગાયો માટે ઘાસચારો મળે તેવી મદદની રાહ જાઇ રહ્યા છે. સતત ૨૦ દિવસના પ્રવાસને કારણે ગાયો અત્યંત નબળી સ્થિતિમાં છે. રાજકોટ આવતા આવતા શરીરમાં જાણે ચામડું અને હાડકાં જ વધ્યા હોય તેમ દુબળી કાયા અને મસમોટા શિંગડા સાથે જે કોઇ પણ પસાર થાય તો ઘાસચારાની આશા સાથે આખું ધણ તેની સામે આવીને ઊભું રહી જાય છે. કચ્છમાંથી માલઢોરવાળા બધા નીકળી ગયા છે. ઘેટાં બકરાં હતા તે દક્ષિણ ગુજરાત ગયા અને અમે ગાયો લઇને કાઠિયાવાડ આવ્યા છીએ. રખડતા રખડતા આવ્યા છતાં ગાયોને ખાવા પીવા કશું મળ્યું નથી અને માલઢોર ભૂખમરાથી પીડાઈ રહ્યો હોવાનું માલધારીઓ કહી રહ્યા છે. આ માલધારી પરિવારો આડેસર (તાલુકો રાપર)ની આજુબાજુના ગ્રામજનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



