પાયલટને પાંચ ખાતા ફાળવાયા
જયપુર,તા.૨૭
રાજસ્થાનમાં લાંબા સમય બાદ અંતમાં અશોક ગહેલોત સરકારના મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓના ખાતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે બંને મહત્વના ગૃહ અને નાણાં મંત્રાલય બંને પોતાની પાસે રાખ્યા છે.
હાલમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યા બાદ ૧૭ ડિસેમ્બરના રોજ અશોક ગહેલોતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે તેની સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલટે ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
રાજ્યમાં મંત્રીઓને ખાતા ફાળવણીને લઇને તકેદારી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોતાની પાસે નાણા તેમજ ગૃહ મંત્રાલય સહિત ૯ ખાતા પોતાની પાસે રાખ્યા છે જ્યારે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને લોક નિર્માણ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને વિજ્ઞાન-તકનીકી સહિત કુલ ૫ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
૨૪ ડિસેમ્બરના રોજ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો જેમાં ૧૩ કેબિનેટ મંત્રી તેમજ ૧૦ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધી હતી. જો કે ત્યારબાદ ત્રણ દિવસ સુધી મંત્રીઓના વિભાગને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નહોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




