GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી રાજપીપળાના કર્મયોગીઓ માટે પ્રથમ મદદગાર (First Responder) ની એક દિવસીય યોજાયેલી તાલીમ શિબિર

0
118

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને રાજપીપળા સિવિલ હોસ્પિટલના NSD સેલ (બિનચેપી રોગ સેલ) ના સંયુકત ઉપક્રમે આજે રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લાના કર્મયોગીઓ (First Responder) ની યોજાયેલી એક દિવસીય તાલીમ શિબિરને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કે.વી.પટેલે દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લી મૂકી હતી. આ પ્રસંગે    જિલ્લા ક્ષય રોગ નિયંત્રણ અધિકારીશ્રી ર્ડો. એસ.એ.આચાર્ય, વિષય તજજ્ઞ શ્રી સંજયભાઇ પીપલીયા અને શ્રી રમેશભાઇ ટંડેલ, સુપરવાઇઝર શ્રી મહંમદહનીફ બલુચી વગેરે પણ ઉપસ્થિત રહયાં હતાં.

રાજપીપલાના કર્મયોગીઓની- પ્રથમ મદદગાર માટે યોજાયેલી આ તાલીમ શિબિરનો હેતુ સમજાવતાં વિષય તજજ્ઞ શ્રી સંજયભાઇ પીપલીયાએ જણાવ્યું હતું કે, કોઇ પણ ઇમરજન્સી ઉભી થાય ત્યારથી ૧૦૮- એમ્બ્યુલન્સની સેવા આવે તે વચ્ચેનો ૧૫ મિનીટનો ગાળો પ્લેટીનીયમ મિનિટ કહેવાય છે અને તેમાં સામાન્ય રીતે આપણે દરદીને સહાયરૂપ થવા માટે કાંઇ કરતાં હોતા નથી અથવા તો આપણે ખોટું કરતાં હોઇએ છીએ. દરદીને સહાયરૂપ થવાને બદલે આપણે તેની તકલીફમાં વધારો કરીએ છીએ અને તેને લીધે દરદીને CPR કાર્ડિયો પોલ્મોનરી રીસશીટેશન કરવાની નૌબત આવે છે. આ યોગ્ય નથી. પ્લેટીનીયમ મિનિટમાં કઇ રીતે પ્રાથમિક સારવાર આપીને મદદરૂપ થવાની સાથે દરદીનું જીવન જોખમમાંથી બચાવી શકાય છે તેવો આશય આ તાલીમનો રહેલો છે.

આજની આ તાલીમ શીબિરમાં શ્રી સંજયભાઇ પીપલીયા અને શ્રી રમેશભાઇ ટંડેલે તેમના વકતવ્યમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તાત્કાલિક સારવાર માંગતી મેડીકલ ઇમરજન્સીમાં પેટનો દુઃખાવો, રકતવિકાર, કમરનો દુઃખાવો, છાતીમાં દુઃખાવો, ગુંગળામણ, પાણી ઓછુ થવું, ઝાડા, મૂર્છા આવવી,અપસ્માર-વાઇ, લોહીમાં સાકર ધટવી, લકવો, તેમજ તાત્કાલિક સારવાર માંગતી બાળકોની ઇમરજન્સીમાં બાળકોમાં શ્વાસની તકલીફ, તાવ સાથે ખેંચ આવવી, બાળકોનું અણધાર્યું મૃત્યુ ઉપરાંત ટ્રોમા ઇમરજન્સીમાં ઇજા- અકસ્માતથી ઉભી થતી ઇમરજન્સીમાં રકતસ્ત્રાવ, ડૂબી જવું-ડૂબતા બચી જવું, આંખમાં ઇજા થવી, અસ્થિભંગ, સ્નાયુમાં ખેચાણ, રસ્તા પરના વાહન અકસ્માત, મણકામાં ઇજા તેમજ વાતાવરણને લગતી ઇમરજન્સીમાં કરડવું, દાઝવું, ઇલેકટ્રોકયુશન (કરંટ વિજળીથી દાઝવું), સૂર્યાધાત, વિષવિકાર અને દવાઓનું અતિસેવન, સર્પદંશ, તથા બહેનોમાં ઉભી થતી ઇમરજન્સીમાં ગર્ભાવસ્થા અને તેને લગતી ઇમરજન્સી તેમજ માનસિક તકલીફો અને ઇમરજન્સીમાં-માનસિક બિમારી, આપધાત અને હદય અને ફેફડાનો નવજીવન વગેરે જેવી બાબતો વિષે નિદર્શન-દ્રષ્ટાંત સાથે સરળ શૈલીમાં જાણકારી અને વિસ્તૃત સમજ આપી હતી.

કોઇ પણ ઇમરજન્સી ઉભી થાય ત્યારે ૧૦૮- એમ્બ્યુલન્સની સેવા માટે ફકત એકજ વ્યકિતએ ૧૦૮ ઉપર ફોન કરવો જોઇએ અને ફોન કર્યા બાદ શું બન્યું છે ? દરદીઓની સંખ્યા, સ્થળનું સરનામું (ગામ, તાલુકો, જિલ્લો), નજીકમાં આવેલ સિમાચિન્હ, માહિતી આપનારનું નામ અને ટેલીફોન નંબરની વિગતો આપવી જોઇએ અને આવી મદદ કરતી વખતે જે તે જગ્યા સુરક્ષિત છે કે નહી ? જો દરદીને કોઇ ચેપી રોગ હોય તો રૂમાલ અથવા પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરીને મદદરૂપ થવું, મદદ કરતાં પહેલાં દરદીની મંજૂરી લેવી અને દરદીની બિમારીની ગુપ્તતા જાળવવી, બેભાન વ્યકિતને ડાબી બાજુએ પડખુ ફેરવીને સુવડાવવો અને કોઇ પણ પ્રકારનું પ્રવાહી આપવું નહી. આમ ૧૦૮- એમ્બ્યુલન્સ આવતા સુધી શુ કરવું અને શું ન કરવું તે અંગેની વિસ્તૃત સમજ અપાઇ હતી.

આ તાલીમ શિબિરને અંતે ભાગ લેનાર દરેક કર્મયોગી તાલીમાર્થીઓને ખૂબજ ઉપયોગી એવી પ્રથમ મદદગાર (First Responder) પુસ્તિકા અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત      શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY