શક્તિપીઠ અંબાજીનું ૬૧ ફૂટનું શિખર ભાદરવી પૂનમ સુધી સુવર્ણમય બની જશે

0
26
અંબાજીમાં દાખલ થતાં જ સીધા જ આબુ હાઇ-વે જઇ શકાય તેના માટેના બાયપાસ રોડ બનાવાશે

અંબા માતાની ૧૦૧ કે ૫૧ ફૂટની વિશાળ પ્રતિમા પણ અંબાજીમાં મૂકવામાં આવશે

આગામી ભાદરવી પૂનમના મેળા સુધીમાં શક્તિપીઠ અંબાજીનું શિખર સંપૂર્ણપણે સુવર્ણમય જોવા મળી શકે છે. મા અંબાના ધામ અંબાજી મંદિરના ૬૧ ફૂટ શિખરને સુવર્ણમય બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે. આ પૈકી ૫૮ ફૂટ શિખર સુવર્ણમય બની પણ ગયું છે. આમ, આગામી ૨૫ સપ્ટેમ્બરના અંબાજીનો પારંપરિક મેળો છે અને ત્યારે સુવર્ણમય શિખરનું લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે. શિખરને સુવર્ણમય બનાવવા માટે અંદાજે ૧૪૦ કિગ્રા સોનાની જરૃરિયાત હતી અને તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાન માટેની જાહેરાત કરવામાં આવી હતી. હાલ ૫૮ ફૂટ સુવર્ણમય શિખર બનાવવા માટે ૧૧૯ કિગ્રાથી વધુ સોનાનો ઉપયોગ થયો છે. શિખર સુવર્ણમય બનાવવા માટે તાંબાના પતરાને શિખરની મૂળ ડિઝાઇન મુજબ એમ્બોજ કરી દેશી પરા પદ્ધતિથી સુવર્ણથી મઢવામાં આવે છે. અંબાજી મંદિરના શિખરે ૩૬૮ નાના-મોટા સુવર્ણમય કળશો શોભાયમાન છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં યાત્રાધામ અંબાજીમાં કેટલાક પરિવર્તન પણ કરવામાં આવશે અને તેની વિચારણા હાલમાં અંતિમ તબક્કામાં છે. જેના ભાગરૃપે હિંમતનગરથી આબુ રોડ જવા માટે બાયપાસ બનાવવામાં આવશે. હાલમાં હિંમતનગરથી આબુ રોડ જઇ રહેલા વાહનચાલકોને અંબાજી જઇને જ જવું પડતું હોય છે. જેના સ્થાને અંબાજી બાયપાસ થઇ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક ટ્રક રાજસ્થાન જતી હોવાથી હાલ ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહે છે. પરંતુ હવે બાયપાસ થઇ જતાં રાજસ્થાન જતી ટ્રક કે અન્ય વાહનનો ટ્રાફિક ઓછો થશે. આ બાયપાસ માટે મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ટૂંકસમયમાં તેનું ખાત મુહૂર્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અંબાજીમાં અંબા માતાની વિશાળ પ્રતિમા પણ મૂકવામાં આવશે. જેના અંગે માહિતી આપતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઇન્ચાર્જ વહિવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ‘પ્રતિમા અંગે હાલમાં વિચારણા ચાલી રહી છે. આ પ્રતિમા કેટલા ફૂટની રાખવી તેના અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. સોઇલ ટેસ્ટ બાદ આ પ્રતિમા ક્યાં મૂકવી તેના અંગે નિર્ણય લેવામાં આવશે.આ પ્રતિમા ૫૧ ફૂટ કે ૧૦૧ ફૂટની પણ હોઇ શકે છે. અમે અંબાજીમાં વિવિધ સ્થાને એલઇડી સ્ક્રિન મૂકવાના છીએ. જેનાથી યાત્રાળુઓને શક્તિપીઠ અંબા માતા અને ગબ્બરમાં માતાજીના જીવંત દર્શનનો લ્હાવો મળશે. આ એલઇડી સ્ક્રિનમાં દર્શનના સમય તેમજ અન્ય જરૃરી સૂચના પણ રજૂ કરવામાં આવશે.’ અંબાજીમાં આવનારા દિવસોમાં શું નવું જોવા મળશે? : હિંમતનગરથી આબુ રોડ જવા માટે બાયપાસ બનાવવામાં આવશે. અંબાજીમાં દાખલ થતાં જ જીએમડીસી ગ્રાઉન્ડ આવે છે તેની બાજુમાંથી જે ગ્રાઉન્ડ આવે છે ત્યાંથી આ રોડ તૈયાર કરાશે. આ રોડ સીધો જ આબુ રોડ હાઇ-વેને ટચ થશે અને તેના લીધે સીધા રાજસ્થાન જઇ રહેલાઓને અંબાજીમાં દાખલ નહીં થવું પડે. : અંબાજીમાં ઠેક-ઠેકાણે એલઇડી સ્ક્રિન મૂકાશે. જેનામાં યાત્રિકો શક્તિપીઠ અને ગબ્બરથી માતાજીના જીવંત દર્શનનો લ્હાવો લઇ શકશે. આ સ્ક્રિનમાં દર્શનનો સમય પણ દર્શાવાશે. : ભોજનશાળાનું રિનોવેશન કરવામાં આવશે. : ભાદરવી પૂનમના મેળા વખતે અંબાજીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવામાં આવે. અષાઢી બીજથી અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર ૧૪ જુલાઇના અષાઢી બીજ છે અને ત્યારથી શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાશે. સવારની આરતી : ૭:૩૦ થી ૮:૦૦ સવારના દર્શન : ૮:૦૦થી ૧૧:૩૦ રાજભોગ બપોરે : બપોરે ૧૨ વાગે બપોરના દર્શન : ૧૨:૩૦ થી ૪:૩૦ સાંજની આરતી : ૭:૦૦ થી ૭:૩૦ સાંજના દર્શન : ૭:૩૦ થી ૯:૦૦
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY