(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,
ફી નિયમનના મામલે સુપ્રિમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે સરકાર પાસે કાયદો લાવવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે આજે વચગાળાનો પોતાનો ચુકાદો આપ્યો હતો. જેના કારણે વાલીઓને મોટો ફટકો પણ પડ્યો છે. સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર અને ખાનગી શાળાઓને નિર્દેશો કર્યા છે. સુપ્રિમ કોર્ટે ફી નિયમનના મામલે કહ્યું છે કે ગુજરાત સરકાર અને ખાનગી શાળાઓ સાથે મળીને ફી નક્કી કરી શકે છે. જેમાં ઈત્તરપ્રવૃત્તિની ફી અંગે સરકાર પોતાનો અભિપ્રાય રજુ કરે તે જરૂરી છે. આ સાથે જ સુપ્રિમ કોર્ટે જુલાઈ માસમાં સરકાર અને ખાનગી શાળાઓને પોતાનો રિપોર્ટ રજુ કરવા માટેનો પણ આદેશ કર્યો હતો. હવે આ મામલામાં જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ફી નિયમનના મામલામાં સુપ્રિમ કોર્ટે નવી ફોર્મ્યુલા બનાવવા માટે પણ સૂચના આપી છે. જેમાં વાલી મંડળ અને શાળા સંચાલકોનો સમાવેશ કરવા સૂચન કર્યું છે. આ ફોર્મ્યુલામાં રાજ્ય સરકાર અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિનો પણ સમાવેશ કરવા કહ્યું છે. આ ફોર્મ્યુલા જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી શકે છે. આજે સુપ્રિમ કોર્ટમાં ફી નિયમિનને લઈને અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કુલ એક્ટ ૨૦૧૭ના બંધારણીય ચુકાદાને યોગ્ય ઠેરવવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સામે સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ ફેડરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અંતિમ સુનાવણી હાથ ધરી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓની એક ટીમને સુનાવણી માટે દિલ્હી મોકલવામાં આવી હતી. ટીમના અધિકારીઓએ કહ્યું છે કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ મામલામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપી રહ્યા છે. પ્રધાને કહ્યું છે કે સુનાવણી માટે વ્યૂહરચના ઘડી કાઢવા ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. સરકારે કહ્યું હતું કે તેના દ્વારા સ્કુલોની એક યાદી મુકવામાં આવશે. જે સ્કુલોએ ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ ફી દરખાસ્તો રજુ કરી નથી. સુપ્રિમ કોર્ટે અગાઉની સુનાવણી વેળા તેમની દરખાસ્તો રજુ કરવા માટે સ્કુલોને કહ્યું હતું. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે એક વખતે ફી નક્કી કરવામાં આવ્યા બાદ વધુ ધ્યાન આપી શકાય છે.
સુપ્રિમ કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારને ફી મર્યાદા નક્કી કરવા આદેશ કર્યો હતો. ખાનગી સ્કુલો માટે ફી મર્યાદા નક્કી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તમામ સંબંધિતોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રાઈવેટ સ્કુલ મેનેજમેન્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકાર ફેંક્યો હતો. સુપ્રિમ કોર્ટે ત્યારબાદ રાજ્ય સરકારને ફી નક્કી કરતી કમિટીની રચના કરવા માટે કહ્યું હતું. સુપ્રિમ કોર્ટે એવો આદેશ પણ કર્યો હતો કે રિવિઝન ઓથોરિટી બે નિવૃત્ત હાઈકોર્ટના જજ સાથે બનાવવામાં આવે. આજે થયેલી સુનાવણી વેળા તર્કદાર દલીલો પણ કરવામાં આવી હતી. શાળાઓની ફીના મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૨૦૦૦થી વધુ શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના કેસમાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હોવાથી તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ હતી. સુપ્રિમ કોર્ટે આ કેસમાં સુનાવણી અગાઉ હાથ ધરી હતી. ૧૮મી એપ્રિલે પણ સુનાવણી થઈ હતી. જાકે તે દિવસે કોઈ કારણસર કાર્યવાહી આગળ ન વધતા ૨૫મી એપ્રિલના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કરાયો હતો. ફી નિર્ધારણ કાયદા હેઠળ ખાનગી શાળાઓ અને સરકાર વચ્ચે કેસ ચાલી રહ્યો છે. સુપ્રિમ કોર્ટ તરફથી સરકારને નવી ફી કમિટી રચવા તથા નવી ફી મર્યાદા નક્કી કરવા માટે અગાઉ કહેવામાં આવ્યું હતું. સંચાલકો તરફથી પણ સુપ્રિમમાં તર્કદાર દલીલો કરાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







