મારા પછીય” માણ ” ગૂંજતી રહેશે : માણભટ્ટ

0
312

આખ્યાન એટલે કહેવા સાંભળવાની કથા વાર્તા તેમાં ઈતિહાસ અને પૂરાણોની વાતો પદ્દમાં રજૂ થતી હતી. ‘માણ’ એટલે તાંબાની ગાગર અને માણભટ્ટ એટલે પોતાની દશેય આગણીઓમાં ‘વેદ’નામની વીટીંઓ ધારણ કરી, ગાગરને તાલબદ્ધ બજાવીને આખ્યાનોનું પઠન કરી સમગ્ર કથાવસ્તુને જીવંત બનાવનારો અનોખો કલાકાર.

દેશમાં મુઘલોનું શાસન હતું ત્યારે આજથી પોણા ચારસો વર્ષ પૂર્વે ઈ.સ.1645માં વડોદરામાં રસકવિ પ્રેમાનંદ થઈ ગયાં તેમણે પોતાનો પરિચય આપતા ગાયું હતું કે, ‘વીર ક્ષેત્રે વડોદરુ, ગુજરાત મધ્યે ગામ, ચતુરવંશી ન્યાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ’. ગુજરાતી સાહિત્યનું મહત્વ અને ભાષાની સુંદરતાને લોકો સુધી પહોચાડવાના આશયથી પ્રેમાનંદે આખ્યાનોનું સર્જન કર્યુ તેઓ ‘માણ’ના તાલ સંગાથે આખ્યાનોનું પઠન કરતાં. પ્રેમાનંદની આ ઉત્કૃષ્ટ કળા અને સાહિત્યિક વારસાને જોડે હજુ પણ વડોદરાના 83 વર્ષીય ધાર્મિકલાલ પંડયાનું સ્નેહબંધન જોડાયેલું છે.

રાજકોટમાં રામકૃષ્ણ મિશન દ્વારા ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં નરસિંહ મહેતાની હુંડી, કુવંરબાઈનું મામેરુ બાદ આવતીકાલે હારમાળા વિષય પર આખ્યાન માળા યોજાશે. જેમાં ધાર્મિકભાઈ પંડયાને બોલાવવામાં આવ્યાં છે. આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં લોકો માણી રહ્યાં છે. ત્યારે આ કલાકાર સાથે રૂબરૂ થવાનો મોકો મળ્યો. ધાર્મિકભાઈ જણાવે છે કે, 11 ઓગસ્ટ 1932ના રોજ મારો વડોદરામાં જન્મ થયો, મારા પિતા સ્વ.ચુનીલાલ ગોવિંદરામ પંડયા પાસેથી મેં આ કલા હસ્તગત કરી અને એક કુશળ આખ્યાનકાર તરીકે નામના મેળવી. મારા પિતા સ્વ.ચુનીલાલ પોતે ખોખરા મહેમદાવાદના માણભટ્ટ લલ્લુ વ્યાસના શિષ્ય હતાં. પોતાના પ્રશાંસકો દ્વારા ભેટ અપાયેલુ એવું એક તાંબાનું માણ તેઓએ ચુનીલાલને વારસારૂપે આપ્યું હતું.

ધાર્મિકભાઈ વધુમાં જણાવે છે કે, નાનપણથી જ મને સંગીતમાં ખૂબ જ રસ હતો. મે વડોદરાની ભારતીય સંગીત મહાવિદ્યાલયમાં પાંચ વર્ષ સુધી સંગીતનું જ્ઞાન મેળવ્યું છે. 1948માં પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી મારા પર આવી પડી, હું મેટ્રીક સુધી જ ભણી શક્યો અને આખ્યાનકથાઓને આજીવિકા તરીકે સ્વીકારવી પડી. 19 વર્ષની વયે 1951માં વડોદરાના મદનજાપર રોડ પર મે મારો પ્રથમ કાર્યક્રમ કર્યો હતો. 1953થી હું ગુજરાતના ગામડે-ગામડે જઈને લોકોને આખ્યાન દ્વારા મનોરંજન આપતો. એ સમયે ટેલિવિઝન ન હતું. રાત પડે લોકો આખ્યાન સાંભળવા એકઠા થઈ જતાં. આ આખ્યાનો દ્વારા હું ધારુ ત્યારે લોકોને હસાવતો અને ધારુ ત્યારે રડાવતો.

‘માણવાદ્ય’ના ઉદ્ભવ વિષે ધાર્મિકભાઈ જણાવે છે કે, ઋગવેદમાં ‘ગર્ગર’ શબ્દ આવે છે. ગર્ગર એટલે ગાગર અને ગાગર પર કથા કરે એને ગાગરભટ્ટ, ગાગરિયા વ્યાસ કે, માણભટ્ટ કહેવામાં આવે છે. પ્રાચીનકાળથી શરૂ થયેલી આ કળા મધ્યકાલીન યુગમાં ફૂલીફાલી. રસકવિ પ્રેમાનંદના 150 પૂર્વે થઈ ગયેલા મહાકવિ નરસિંહ મહેતા અને તે પૂર્વે હેમચંદ્રાચાર્યજી અને અંતે દયારામ સમયથી સાહિત્યમાં આખ્યાનપઠનની પરંપરા ચાલી આવી રહી છે. નરસિંહ મહેતા બાદ નાકર, ભાલણ, પ્રેમાનંદ, ચુનીલાલ વ્યાસ, વલ્લભ, વલ્લભવ્યાસ સહિતના માણભટ્ટો થઈ ગયાં.

આજે નવા માણભટ્ટો કેમ તૈયાર થતા નથી ? તે પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, આ કલા શીખવી ખૂબ જ કઠીન છે. પ્રેમાનંદના પાંચ આખ્યાનોને શીખવામાં પાંચ વર્ષ સમય પ્રસાર થઈ જાય છે. શીખનાર પાસે સંગીત અને સંસ્કૃતનું જ્ઞાન હોવું જરૂરી છે. આખ્યાનના ત્રણ ચરણો મંગલાચરણ, કડીબદ્ધ (કડવુ) અને પૂર્ણ કરતી વખતે વલણ છે. આ ત્રણેય ચરણોમાં ‘માણ’ના જુદા-જુદા નાદ આપવા પડે છે. વીરરસ હોઈ તો ચારેબાજુ ‘માણ’ વગાડવામાં આવે છે. વલણ વખતે નીચેના ભાગથી ‘માણ’ વાગે છે. કદાચ આ કળા અપેક્ષા મુજબના નાણા કમાઈને આપતી નથી એટલે માણભટ્ટો ઓછા તૈયાર થાય છે પરંતુ મેં કલાને જીવંત રાખવા માટે મારા પુત્રો પ્રદ્યુમ્ન અને મંયકને પ્રશિક્ષિત કર્યા છે તેમના બાળકો ઋત્વિક, નેહ અને યશ પંડયાએ પણ તેને હસ્તગત કરવામાં રૂચિ દાખવી છે. મારા મૃત્યુ પછી પણ આ કલા જીવંત રહેશે.

ધાર્મિકભાઈ ગુજરાતના તમામ ગામોનો પ્રવાસ ખેડી ચૂક્યાં છે. તેમણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાનની સાથોસાથ રાષ્ટ્રપતિ ભવનમાં પણ પ્રસ્તુતિઓ આપી છે. વિદેશોમાં બ્રિટેન, અમેરિકા, કેનેડા, ઝિમ્બાવે, ઝામ્બિયા, કાઠમંડુ અને થાઈલેન્ડ સુધી તેમણે ભારતના આખ્યાનો પહોચાડયાં છે. વર્ષ 1980માં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા તેમને કિર્તન કેસરી અને ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અને નાટય એકાડમી, કેન્દ્રિય સંગીત નાટક એકાડમી-દિલ્લી, વડોદરા નગરપાલિકા, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી-અમદાવાદ, અમૃતા સંસ્થાન મુંબઈ, ગુજરાત લોકકલા કેન્દ્ર અને ગુજરાત રાજ્યના પંડિત ઓંકારનાથ ઠાકુર દ્વારા સન્માન પ્રદાન કરવામાં આવ્યું છે.

અંતે એટલુ જ કહેવાનું કે, આજની યુવાપેઢીને આખ્યાન એટલે શું એ ખબર પણ નથી ત્યારે આ મહાનવિભૂતીએ વિલુપ્ત થઈ રહેલા આખ્યાનો અને માણકલાને બચાવવા માટે પોતાનું જીવન અર્પિત કરી દીધુ છે છતાં દેશના સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી, પદ્મભૂષણ કે, પદ્મવિભૂષણથી તેમને આજદિન સુધી કેમ વંચિત રાખવામાં આવ્યાં ? તે સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે.

2000થી વધુ આખ્યાનોનો રેકોર્ડ !
આજદિન સુધીમાં ધાર્મિકભાઈએ 2000થી વધુ આખ્યાનો કર્યા છે. વડોદરાની કાશ્યા પોળ, હાથી પોળ, ઉંચી પોળ, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો, વ્યારા, કળોદરામાં એક-એક માસ સુધી ચાલતા મહાભારતના આખ્યાનો રજૂ કર્યા છે. આકાશવાણી વડોદરામાં ‘હરિવંશપુરાણ’નું સાત કલાકનું રેકોર્ડીંગ સચવાયેલુ પડયું છે. હરિવંશપુરાણ જેને ઉત્તર મહાભારત કહેવામાં આવે છે. જેમાં હરિવંશ, ભવિષ્ય અને વિષ્ણું પર્વ ઉપરાંત કૃષ્ણલીલાનો ઉલ્લેખ છે. પવિત્ર દ્વારકાનગરીની રચના આ પુરાણ મુજબ થઈ હોવાની લોકવાયકા છે.

(ફૂલછાબ દૈનિક) જનકસિંહ ઝાલા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY