રાજપીપલા:કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ-વિકાસની સંભાવનાઓથી ભરપૂર શક્યતાવાળા જિલ્લામાં આયોગના પેરામીટર મુજબ ચોક્કસ ક્ષેત્રોમાં નિર્ધારિત લક્ષ્યાંક સિધ્ધિ માટે ઘડી કઢાયેલા જિલ્લાના એક્શન પ્લાન અમલીકરણ અંતર્ગત આજે રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઔદ્યાગિક વિકાસ માટેની કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે વ્યાપક લોકજાગૃત્તિ કેળવાય તે હેતુથી યોજાયેલા સેમિનારને જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકયો હતો
.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા અંતર્ગત MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ, નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારના મુખ્ય મહેમાનપદેથી સંબોધતા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં માઇક્રો, લઘુ અને મધ્યમકદના ઉદ્યોગોની સ્થાપના માટેની પણ ઘણી વિશાળ અને ઉજળી તકો રહેલી છે, ત્યારે જિલ્લામાં રોજગારી મેળવવાની સાથે અન્ય જરૂરિયાતમંદોને પણ નાની મોટી સ્વરોજગારી પૂરી પાડવાની સાથે આર્થિક પ્રવૃત્તિ કરવા માંગતા ઉમેદવારોને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન માટે જિલ્લા પ્રશાસનના વડા તરીકે દર સોમવારે તેમની કચેરીના દ્વાર હંમેશ ખૂલ્લા રહેશે. કોઇપણ પ્રકારના રોજગાર-વ્યવસાય વિનાની ૨૦૦ વ્યક્તિઓ જો આર્થિક ઉર્પાજન કરતી થાય ત્યારે જ આજનો આ સેમિનાર સાર્થક થયો ગણાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ વધુમાં આર્થિક પ્રવૃત્તિમાં ખેતી, ઉદ્યોગ અને જુદા જુદા પ્રકારની સેવાઓ સહિતના તેના ત્રણ પ્રકારો પૈકી જિલ્લામાં ઉદ્યોગ અને જુદી જુદી સેવાઓ ઉપલબ્ધ બનાવવાની દિશાના વિશેષ પ્રયાસો ઉપર ભાર મુકતાં જણાવ્યું હતું કે, અમુક કામ અમુક ચોક્કસ વ્યક્તિ જ કરી શકે તેવી ખોટી માન્યતાઓ અને ભ્રમને ભાંગીને દરેક વ્યક્તિ કોઇપણ કામ કરી શકે છે, તેવા સંકલ્પ સાથે રોજગારી મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનું ઘર-કુટુંબ છોડવું પડશે. તેમણે જિલ્લામાં જુદા જુદા એસોસીએશન સાથે બેઠક યોજીને આ દિશામાં આગળ વધવાનો દિશા નિર્દેશ આપ્યો હતો. જિલ્લામાં કેળના ઉત્પાદનમાંથી ફાયબર યાર્ન બનાવવાના યુનિટને પ્રોત્સાહન પુરી પાડવાની સાથે ફાયબર યાર્નને પૂરતુ અને યોગ્ય માર્કેટ મળી રહે તે દિશાના પ્રયાસોની પણ તેમણે જાણકારી આપી હતી.

MSME-ID ના ડાયરેક્ટર કમલસિંગે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે આ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંપૂર્ણ રીતે મદદરૂપ થવાની સાથે નવા ઉદ્યોગ માટે મુદ્દા તથા PMEGP યોજના દ્વારા નાણાંકીય સુવિધાઓની ઉપલબ્ધિ માટે તેમની સંસ્થા સહાયરૂપ બનશે.
AICOSMIA ના પ્રમુખ અજોય ભટ્ટાચાર્યે તેમના વક્તવ્યમાં પોતાના ગારમેન્ટના ઉદ્યોગ અંગેની વિસ્તૃત અને આંકડાકીય જાણકારી આપવાની સાથે નર્મદા જિલ્લામાં તેની બ્રાન્ચ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી અને આ સેમિનારમાં ઉપસ્થિત લાભાર્થીીઓના ડેટાબેઝના આધારે નાના નાના ગૃપ બનાવીને તેમને ચોક્કસ સમયાવધિમાં કઇ રીતે સેટલ કરી શકાય તે અંગેની ગોષ્ઠિનું આહવાન કર્યું હતું, તેમની સંસ્થા દ્વારા તમામ પ્રકારની સહાયતા સાથે જરૂરિયાતમંદ લોકોને સેટલ કરવાની જવાબદેહીનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે MSME-DI ના મદદનીશ નિયામક પી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લાના બેરોજગાર ઉમેદવારો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બેન્કોના માધ્યમથી લોન મેળાનું આયોજન કરાશે, જેમાં ઉમેદવારોના ફોર્મની સંપૂર્ણ વિગતો ભરાવવાની સાથે તેની મંજૂરીને લગતી તમામ પ્રકિયામાં સહાયરૂપ થશે.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર. મોરે, NPC ના નાયબ નિયામક અમિતોષ ગૌતમ, KVIC ના નોડલ ઓફિસર અજય રાજપાલ વગેરેએ તેમના વક્તવ્યામાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ઉપરાંત વિવિધ એજન્સી-સંસ્થાઓની યોજનાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
પ્રારંભમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર.મોરેએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને અંતમાં MSME-DI ના નોડલ અધિકારી એસ.ડી. રામાવતે આભારદર્શન કર્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





