બ્રિટનની સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૪૭ ભારતીય મૂળના
લંડન,તા.૧૪
ભારતીય દુનિયાના તમામ ખૂણામાં પોતાની છાપ છોડતાં હોય છે. હાલમાં બ્રિટનના વર્ષ ૨૦૧૮ના સૌથી ધનવાન વ્યક્તિઓમાં હિન્દુજા બંધુઓને બીજા ક્રમ મળ્યો છે. દર વર્ષે જાહેર કરાતી આ યાદીમાં પહેલા નંબરે કેમિકલ ક્ષેત્રના ઉદ્યોગપતિ જિમ રેટક્લિફ છે. લંડન સ્થિત ઉદ્યોગપતિઓ શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા ૨૦.૬૪ અબજ પાઉન્ડની સંપત્તિના માલિક છે, જ્યારે રેટક્લિફ ૨૧.૦૫ અબજ પાઉન્ડની મિલકતો ધરાવે છે. હિન્દુજા બંધુ ૨૦૧૭ની યાદીમાં પ્રથમ સ્થાન પર હતા.
‘સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ’ નામના આ અહેવાલમાં બ્રિટનના એક હજાર ધનવાનોમાં ભારતીય મૂળની કુલ ૪૭ વ્યક્તિનો સમાવેશ થાય છે. બ્રિટીશ અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મોગલ ગણાતા સર લેન બ્લેવેન્ટિક આ યાદીમાં ૧૫.૨૬ અબજ ડાલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. ભારતીય મૂળના ડેવિડ અને સિમોન રુબેન પણ ૧૫.૦૯ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે, જે અગાઉ ત્રીજા ક્રમે હતા. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ પણ ૧૪.૬૬ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે ચોથેથી પાંચમા ક્રમે પહોંચ્યા છે.
આ યાદીમાં ભારતના બીજા એક ઉદ્યોગપતિ પ્રકાશ લોહિયા ૨૫મા ક્રમે છે. સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી ઈન્ડોરમા કંપનીના માલિક લોહિયા ૫.૧૫ અબજ પાઉન્ડની સંપત્તિના માલિક છે. આ ઉપરાંત બ્રિટીશ ધનવાનોમાં સિમોન, બોબી અને રોબિન અરોરા(૬૦માં સ્થાન), બાયોકોનના માલિક કરિણ મજુમદાર શા(૭૫માં સ્થાન), લોર્ડ સ્વરાજ પોલ (૯૦માં સ્થાને) અને નવીન-વર્ષા એન્જિનિયર, માથુર પરિવારના રાજ, ટોની અને હરપાલ તેમજ હોટેલિયર જસમિન્દર સિંહ અને પરિવારનો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





