મુંબઈ,
રાજ્યની અને ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં જમીન અને સસ્તા ઘરની માગને પહોંચી વળવા રાજ્ય સરકાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) માડેલને અપનાવશે, તેમ ગૃહ નિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ અંગેની પાલિસી એકાદ મહિનામાં કેબિનેટમાં રજૂ કરવામાં આવશે.
એમએમઆરમાં સોથી ૫૦૦ એકરના બહુ મોટા પ્લોટ છે, પણ માલિકો પાસે નાણાં ન હોવાથી તેને ડેવલપ કરી શકતા નથી. વળી, તેઓ પોતાની રીતે ડેવલપ કરે તો તેમને એકથી ૨.૫ વચ્ચે જ એફએસઆઈ મળે અને તેના પર પ્રિમિયમ પણ ભરવું પડે. નવી પાલિસીમાં અમે પ્રસ્તાવિત કર્યું છે કે આ જમીન અમે મ્હાડા મારફત સંપાદિત કરીશું અને તેના પર ઘર બાંધીશું અને માલિકોને તેમની જગ્યાની બદલામાં વળતર આપીશું. હાલમાં તેમને કેવી રીતે અને કેટલું વળતર આપવું તે અંગે વિચારણા ચાલી રહી છે. માલિકોને રેડી રેકનરનો ભાવ આપી શકાય અથવા તેમને ઘર બાંધીને આપીએ, આ બે વિકલ્પો છે. આવનાર દસ-પંદર દિવસમાં અમે આ અંગે નિર્ણય લઈ લેશું, તેમ મહેતાએ જણાવ્યું હતું.
આ પાલિસી અમલમાં આવ્યા બાદ દસ લાખ ઘર બાંધી શકાય તેમ છે. વિવિધ સરકારી એજન્સી વચ્ચે ખેંચતાણ ન થાય તે માટે આ પ્રોજેક્ટને પાર પાડવા માટે નોડલ એજન્સી મ્હાડાને જ રાખવામાં આવશે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પણ મ્હાડા જ એજન્સી તરીકે કામ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





