ગુજરાત સરકાર આગામી દિવસોમાં પાણીની રીસાઇકલીંગ પોલીસી જાહેર કરશે

0
18

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશના સૌથી મોટા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનને ગુજરાતની ભવિષ્યની પેઢીને પાણીના દુકાળમાંથી મુક્ત કરનારો પુરૂષાર્થ ગણાવી રાજ્યમાં પાણીના ટીપે-ટીપા બચાવવા સરકારે સુનિશ્ચિત આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધું કહ્યું કે, જળ અભિયાનને પ્રચંડ લોક પ્રતિસાદ મળ્યો છે. પ્રભુના પ્રસાદને ઝીલવા જન શક્તિએ શરૂ કરેલ પરિશ્રમ એળે નહીં જાય તેમ જણાવી આગામી ચોમાસામાં આ ઇશ્વરીય કાર્યનું પરિણામ જોવા મળશે જ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ‘‘અમારી સરકાર ગુજરાતના લોકોની ચિંતા કરનારી સરકાર છે. ભવિષ્યની પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાની અમારી નેમ છે’’ તેમ મુખ્યમંત્રીએ અભિયાનના વિરોધીઓને જવાબ આપતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના ખુણે-ખુણે લોકો આ અભિયાનમાં જોડાઇ ગયા છે. અભિયાનને પ્રથમ દિવસે ૧લી મેના રોજ તળાવ ઉંડા કરવાનાં કામોમાં ૫૨૭ જેસીબી હતા આજે ૪૫૦૦ જેસીબી અને ૨ હજાર ટ્રેક્ટરોની સામે ૧૪ હજાર ટ્રેક્ટર, ડમ્પર તથા ૪૫૦ એન.જી.ઓ. સામે આજે ૨૬૦૦ એન.જી.ઓ. જળ વંદનામાં સામેલ છે.
મુખ્યમંત્રીએ ૩.૨૭ લાખ શ્રમજીવી ભાઇ-બહેનો પણ મનરેગા હેઠળ તળાવોને ઉંડા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેમ પણ કહ્યું હતું.
ગુજરાતના ગામો ફળદ્રુપ માટીથી અને પાણીના તળ ઉંચા આવવાથી સમૃદ્ધ થશે અને ગામો સમૃદ્ધ થશે તો શહેરો સમૃદ્ધ થશે તેમ જણાવી આગામી વર્ષોમાં આ અભિયાનના પરિણામો થકી ખેતરોમાં ખેતી પાક લહેરાશે અને પાણીની કોઇ સમસ્યા નહીં રહે. લોકાના પરસેવાનું મૂલ્ય ત્યારે થશે જ્યારે આ તળાવો છલકાશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યમાં ૧૧ હજાર લાખ ઘનફુટ પાણીની ક્ષમતા વધશે. મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં ગટરના પાણીને શુદ્ધ કરવાની રીસાઇકલીંગ પોલીસી જાહેર કરાશે તેમ જણાવી દરિયાના ખારા પાણીને પણ શુદ્ધ કરવા પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું.
વાડલા ગામે મુખ્યમંત્રીએ તળાવના કાંઠે રહેલી જળ કુંભીઓની સફાઇ કરવા પણ સુચન કર્યું હતું. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અભિયાનમાં રૂ ૧.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જુનાગઢ મોટી હવેલીના વૈશ્ણવાચાર્ય પિયુષબાવાશ્રીએ કહ્યું કે, પ્રકૃતિ અને ધર્મનો આદર કરવામાં આવે તો તે માનવજાત માટે કલ્યાણકારી હોય છે. સરકારનું આ કાર્ય કલ્યાણકારી છે અને તેમાં સૌનો સહયોગ છે.
ચાપરડાના મહંત મુક્તાનંદબાપુએ જણાવ્યું કે, સરકારનું આ કાર્ય પશુ, પંખી, પ્રકૃતિ અને માનવજાત માટે ઉપયોગી અને પાણીની સમસ્યામાંથી મુક્ત કરનારું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં જળનું સંકટ ભૂતકાળ બને તે માટે લોકોને સાથે રાખીને આ વિરાટ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ સ્વાગત પ્રવચન કરી જિલ્લાના જળ અભિયાનના ચાલતા કામો અને તેની સફળતાની વિગતો આપી હતી. આભાર વિધિ ડી.ડી.ઓ. પ્રવિણ ચૌધરીએ કરી હતી.
કાર્યક્રમમાં મેયર આદ્યશ્કતિબેન મજમુદાર, સાંસદ રાજેશભાઇ ચુડસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, શશીકાંતભાઇ ભીમાણી, જ્યોતીબેન વાછાણી, રામશીભાઇ ભેટારીયા, કનુભાઇ ભાલાળા, દિનેશભાઇ ખટારીયા, રતીભાઇ સુરેજા, ડે.મેયર ગિરીશભાઇ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના મોહનપ્રસાદ સ્વામી સહિતના સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY