યુપી, બિહાર, ઝારખંડમાં વાવાઝોડાનો કહેર, વીજળી પડતાં ૪૫ લોકોના મોત
રાંચી,તા.૨૯
ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં વાવાઝોડું અને વરસાદના કારણે ફરી એક વાર કુદરતનો કહેર જાવા મળ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અત્યાર સુધી કુલ ૪૫ લોકોના મોત થયા છે. તેમાંથી ૯ના મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. જ્યારે વીજળી પડવાના કારણે બિહારમાં ૧૭ અને ઝારખંડમાં ૧૨ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં બારાબંકી, કુશીનગર, ગોરખપુર અને આઝમગઢમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. પાટનગર દિલ્હીમાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અહીં ૫૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાય તેવી શક્યતા છે.
વાવાઝોડું અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ ઉખડી ગયા હોવાની માહિતી પણ મળી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અંદાજે ૧૪૦ લોકોના મોત થયા હતા.
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં બિહારમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓને લઈને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં મુઝફ્ફરપુર, સમસ્તીપુર, વૈશાલી, પટના, દરભંગા અને આસપાસના વિસ્તારો સામે છે. હવામાન વિભાગે આ વાતની શંકા વ્યક્ત કરી છે કે, આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું અને વરસાદ વચ્ચે વીજળી પણ પડી શકે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






