તા.૧ જૂન થી ૨૦ જૂન-૨૦૧૮ દરમિયાન મતદારના ઘરોની રૂબરૂ મુલાકાત લેશે

0
165

ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાર યાદી સુધારણા હેઠળ મતદારની વિગતો ચકાસીને જરૂરી સુધારા કરવા તેમજ નામ દાખલ કરવા, કમી કરવા, નામ તબદીલ કે સ્થળ ફેરફાર વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ અનુસંધાને તા.૧/૬/૨૦૧૮ થી તા.૨૦/૬/૨૦૧૮ દરમિયાન બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદારના ઘરોની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે જેમાં આ મુજબ કામગીરી કરવામાં આવશે :

(૧) મતદાર કે ઘરના પુખ્ત વ્યક્તિ સમક્ષ મતદાર યાદીમાં દર્શાવેલ મતદારોની વિગતો બતાવીને ચકાસણી કરવામાં આવશે.
(૨) ફોટો, નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવાનો થતો હોય તો ફોર્મ નં.૮ મેળવવામાં આવશે.
(૩) તે ઉપરાંત, જરૂરી કિસ્સામાં નામ દાખલ કરવા ફોર્મ નં.૬, નામ કમી કરવા ફોર્મ નં.૭, ફોટો/વિગતોમાં સુધારા માટે ફોર્મ નં.૮ તથા એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ/સરનામા ફેરફાર કે નામ તબદીલ કરવા માટે ફોર્મ નં.૮ (ક) મેળવવામાં આવશે.
(૪) તા.૧/૧/૨૦૧૮ની લાયકાતની તારીખ સંદર્ભે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાકી રહેલ લાયક નાગરિકોનાં મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬ મેળવવામાં આવશે.
(૫) આગામી તા.૧/૧/૨૦૧૯ની લાયકાતની તારીખ સંદર્ભે ૧૮ વર્ષ પૂર્ણ થવાના હોય તેવા ભવિષ્યમાં સંભવિત મતદાર બનનાર લાયક યુવા નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવશે.
(૬) અવસાન પામેલ મતદારોના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં.૭ મેળવવામાં આવશે.
(૭) અક્ષમતા ધરાવતાં દિવ્યાંગ મતદારોને અક્ષમતાની કક્ષાની વિગતો તથા મતદાનના દિવસે તેઓ માટે જરૂરી સહાયતાની વિગતો એકત્રિત કરવામાં આવશે.

પ્રવર્તમાન મતદાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની કચેરી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી તેમજ મતદાર યાદીનાં સંબંધિત ભાગનાં બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ છે. ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની વેબસાઇટ www.ceo.gujarat.gov.in તથા ભારતનાં ચૂંટણીપંચની વેબસાઇટ www.eci.nic.in પર ઉપલબ્ધ છે જ્યાં મતદાર પોતાની વિગત ચકાસી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુટુંબના મતદાર હોય તેવા તમામ સભ્યોની મતદાર યાદીમાં દર્શાવેલ વિગતો ચકાસી લેવા તથા જરૂરી કિસ્સામાં નિયત નમૂનામાં અરજી ફોર્મ રજુ કરવા તેમજ મતદાર યાદી સંપૂર્ણ અને ક્ષતિરહિત તૈયાર થાય તે માટે ચૂંટણી તંત્રને સહકાર આપવા જાહેર જનતાને મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY