વિશ્વ પર્યાવરણ દિવસથી એક સપ્તાહ સુધી રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન

0
343

વિશ્વ પર્યાવરણ દિવસથી સમગ્ર રાજ્યમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ રાજ્યવ્યાપી ઝુંબેશથી ગુજરાતના તમામ મહાનગરો, નગરો અને ગ્રામ વિસ્તારોને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્ર અને ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓને આહવાન કર્યંર છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે આજે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનું યજમાનપદ ભારતને આપવામાં આવ્યું છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધર્યું છે, ત્યારે એ દિશામાં પ્રભાવક પગલાં તરીકે ગુજરાતમાં લોકો પર્યાવરણના જતન અને સંવર્ધનની સાથોસાથ સ્વચ્છતા માટે પણ આગળ આવે, એટલું જ નહીં પ્લાસ્ટિક પ્રદૂષણ અટકે અને કચરાનું મહત્તમ રિસાયકલીંગ થઇ શકે તે રીતે વર્ગીકરણ થાય એ માટે સઘન કામગીરી કરાશે.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમ ‘બિટ પ્લાસ્ટિક પોલ્યુશન’ (પ્લાસ્ટિક પ્રદૂષણ પર અંકુશ મેળવીએ) છે. સમગ્ર મે મહિના દરમિયાન રાજ્યમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત જળાશયો અને જળસ્ત્રોતો ઊંડા કરવાનું અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનની અનુગામી કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમને સાંકળી લઇને એક અઠવાડીયા સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ગુજરાતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરીને આ માટે વિશેષ આયોજન કર્યું છે.

મંત્રીઓએ જણાવ્યું હતું કે, રાજયના તમામ મહાનગરો, નગરો-શહેરો, તાલુકા મથકો, રૂર્બન વિસ્તાર તરીકે ઓળખાતા ૧૦૦ મુખ્ય ગામ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આઉટગ્રોથના વિસ્તારો નદી-નાળાં, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ રાજ્યવ્યાપી અભિયાનમાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ સહિત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ જોડાશે. લોકભાગીદારીથી જેમ જળ અભિયાનમાં સારા પરિણામો મળ્યા તેમ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં પણ સંસ્થાઓ ઉપરાંત ઉદ્યોગ-વેપાર મંડળો, રાજ્ય-કેન્દ્ર સરકારના જાહેર સાહસો, શૈક્ષણિક સંસ્થાઓ, ઇકો કલબ, રહેણાંકની સોસાયટીઓ, સખીમંડળો અને સ્વયંસેવકોને આ અભિયાનમાં જોડાવા આહવાન કરાયું છે.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અને આ અભિયાનમાં જોડાનાર સરકારી અને બિનસરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા પુરસ્કારો અપાશે.

તા. ૫ જૂનથી ૧૧ જૂન દરમિયાન હાથ ધરાનારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન વિશે વિસ્તૃત વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એકત્રીત કરીને તેને રિસાયકલ કરવા માટે અપાશે, આ માટે રિસાયકલીંગ કરતી સંસ્થાઓ અને એકમોની વિગતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. સિમેન્ટ ઉદ્યોગ દ્વારા સિમેન્ટ ઉત્પાદનના કીલનમાં બળતણ તરીકે પ્લાસ્ટિક વેસ્ટ વપરાય છે. એકત્ર કરાયેલો પ્લાસ્ટિક વેસ્ટ કો-પ્રોસેસીંગ માટે સિમેન્ટ ઉદ્યોગને પણ આપી શકાશે.

પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું સમગ્ર સંકલન વન અને પર્યાવરણ વિભાગ કરશે. આ અભિયાનમાં અન્ય વિભાગો દ્વારા જે કામગીરી હાથ ધરાવાની છે તેની વિગતવાર માહિતી આ મુજબ છે:

• ગ્રામવિકાસ: ગ્રામસભાના માધ્યમ દ્વારા જનજાગૃતિ:

રાજ્ય સરકારના ગ્રામવિકાસ વિભાગ દ્વારા રાજ્યના રૂર્બન વિસ્તાર તરીકે ઓળખાતા ૧૦૦ મુખ્ય ગામોમાં જનભાગીદારી થકી ‘પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત પ્લાસ્ટિક વપરાશમાં ઘટાડો, પુન:વપરાશ અને રિસાયકલ માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાશે.

પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યભરના ૧૫ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા ૧૦૦ ગામોમાં તા.૫મી જૂનના રોજ ગામના પ્રવેશદ્વાર, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગોની સફાઇ, શાકભાજી બજાર, બસ સ્ટેન્ડની સાફ-સફાઇ તથા પ્લાસ્ટિક અને અન્ય રિસાઇકલ્સ કરી શકાય તેવો કચરો છૂટો કરાશે. તા.૬ જૂનના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરી, હોસ્પિટલ, અન્ય સરકારી સંસ્થાઓની સાફ-સફાઇ તા.૭ જૂનના રોજ ફળિયાવાર ઘેરઘેરથી સાફ સફાઇ, તા.૮ જૂનના રોજ શાળા-આંગણવાડી સફાઇ, ભીના કચરામાંથી માઇક્રો કમ્પોસ્ટ પદ્ધતિ દ્વારા ખાતર બનાવવું, ગામમાં પ્લાસ્ટિક શ્રેડીંગ મશીનથી નિકાલ અંગે પ્રેઝન્ટેશન, તા.૯ જૂનના રોજ પ્લાસ્ટિક કચરાના ઓછા વપરાશ, પુન:ઉપયોગ અંગે માર્ગદર્શન તથા સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા જ્યુટ બેગ તૈયાર કરવી અને ડેમોન્સ્ટ્રેશન.

ગ્રામ્ય સ્તરે એકઠી થયેલી પ્લાસ્ટિક પસ્તીનું વેચાણ, તા.૧૦ જૂનના રોજ પ્લાસ્ટિકનું રિસાયકલીંગ કરી વેચાણ માટે ડેમોન્સ્ટ્રેશન અને તા.૧૧ જૂનના રોજ ગ્રામસભા દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો તેમજ ગ્રામ સ્તરે સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ, પ્લાસ્ટિકના ઉત્પાદન-સંગ્રહ-વેચાણ અને વપરાશ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્લાસ્ટિક જ્યાં ત્યાં નિકાલ ન કરવા અંગે લોકોને માર્ગદર્શન આપી દંડની જોગવાઇ કરવા અંગે કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત આઇ.ઇ.સી. દ્વારા તા.૪થી જૂન થી ૧૧મી જૂન દરમિયાન સ્વચ્છતા અંગે પ્રભાતફેરી, ઓડિયો-વિઝયુઅલ પ્રવૃત્તિઓ થકી ગ્રામ પંચાયતોમાં વીડિયો કલીપનું નિદર્શન, પ્લાસ્ટિકના ગેરફાયદા અંગે રોડ-શૉ, પ્લાસ્ટિકના ઉપયોગના બદલે વૈકલ્પિક વસ્તુના ઉપયોગ તેમજ બિનઉપયોગી પ્લાસ્ટિકના પુન: ઉપયોગ માટે જનજાગૃતિ લાવવા શેરી નાટકો-લોકડાયરા પણ યોજાશે. ઉપરાંત ગ્રામસ્તરે ભીંતચિત્રો, ફળીયાવાર વિવિધ સ્પર્ધા, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર તથા શાળા-આંગણવાડીમાં પણ વીડિયો દ્વારા માર્ગદર્શન અપાશે.

• શહેરી વિકાસ વિભાગ: તમામ મહાનગરપાલિકા-નગરપાલિકાઓમાં સફાઇ ઝૂંબેશ:

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યના શહેરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં સફાઈ ઝુંબેશ માટે વ્યાપક જનભાગીદારી કેળવાશે. નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે, સ્વચ્છતાની ટેવો કેળવાય અને જાહેર સ્થળોની સઘન સફાઈ માટે ધ્યાન કેન્દ્રિત કરીને સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. તેમજ ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈવાળા વપરાતા પ્લાસ્ટિકની જપ્તી સહિતની કામગીરી કરાશે.

મહાનગરપાલિકાઓમાં વોર્ડદીઠ કાર્યક્રમો યોજાશે. તેમજ રાત્રિ દરમિયાન રોજ રાત્રે પર્યાવરણ અને સ્વચ્છતા અંગે શેરી નાટકો યોજાશે. સપ્તાહ દરમિયાન એકત્ર કરેલ કચરામાંથી પ્લાસ્ટિક કચરો અલગ કરાશે. પ્લાસ્ટિક કબાડીનો વ્યવસાય કરનાર વ્યક્તિઓ, રિસાઈક્લિંગ કરનાર એકમો દ્વારા યોગ્ય નિકાલ કરવા અંગે માર્ગદર્શન અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરો-નગરોમાં શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટની સફાઈ, એન.જી.ઓ., મહાનુભાવો, અગ્રણીઓને સાંકળીને જાહેર સ્થળે સ્વચ્છતાની પ્રતિજ્ઞા તથા જનજાગૃતિ રેલીઓ યોજાશે. તેમજ પ્લાસ્ટિક બેગના ઉત્પાદકો, વિતરકો, રિટેલર વેપારીઓ અને દુકાનદારોને જોડીને પ્લાસ્ટિક મુક્ત શહેર વિષય પર વર્કશોપ તેમજ ઈકો ફ્રેન્ડલી પ્રોડ્કટ અંગે માહિતી અને તેના ફાયદા અંગે સમજ અપાશે. તેમજ શહેરમાં નોંધાયેલા ફેરિયાઓ માટે પણ વર્કશોપ યોજાશે. ચાની કીટલી, ફરસાણના વેપારીઓ, પાર્લર ડેરીના વેપારીઓ માટે પણ ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાશે. સખીમંડળોની બહેનો અને લાઈવલીહુડ મિશન દ્વારા ઈકો ફ્રેન્ડલી પ્રોડ્કટ અને તેના ફાયદા અંગે ઠેર-ઠેર કાર્યશિબિર પણ યોજાશે. સાથે-સાથે મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં એસ.ટી. નિગમના બસ સ્ટેન્ડ, ડેપો, સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો, પુરવઠા નિગમના ગોડાઉન, તમામ શૈક્ષણિક સંકુલોની સફાઈ અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સફાઈ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY