રાજકોટ,
શહેરના બિગબજાર પાસેના કરણપાર્ક પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા ડો.વિપુલ પારિયાએ ગત તા.૩ જુનના રોજ ભીંત પર સુસાઇડ નોટ લખી ફાંસો ખાઇ કરેલા આપઘાતમાં અંતે તેની નર્સ પત્ની, સાસુ-સસરા સહિતનાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તબીબને તેની પત્ની બહાર ફરવા અને જમવા જવા સહિતના મુદ્દે દબાણ કરી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ભીમરાવ સોસાયટીમાં રહેતા અને બી.ટી.સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.વિપુલ મોહનભાઇ પારિયાએ કરેલા આપઘાત અંગે તેના ભાઇ દિલીપભાઇ પારિયાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૃતકની પત્ની પૂજા, સસરા રમેશ હીરા ચાવડા, સાસુ કાંતા રમેશ, પ્રિયંકા રમેશ ચાવડા, મિતલ રમેશ ચાવડા તથા પૂજાના બનેવી ધીરજના નામ આપ્યા હતા. દિલીપભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અઠવાડિયે બે વખત વોટર પાર્કમાં લઇ જવા દબાણ કરતી તેમજ મોંઘો મોબાઇલ પણ લેવડાવ્યો હતો. મહેસાણા વોટરપાર્કમાં જવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ડો.વિપુલને પૂજાના માતા-પિતા બહેન અને બનેવી પણ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મૃતકના ભાઇ દિલીપભાઇએ આક્ષેપ કર્યો હતો કે, ડો.વિપુલના વોટ્સએપ તથા ફેસબુકના તમામ મેસેજ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. તેને રિકવર કરવામાં આવે તેવી માગ કરી હતી, તેમજ ગત તા.૨ થી તા.૩ની રાત સુધીમાં કોની કોની આવન જાવન થઇ હતી તે અંગે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો પૂજાના કરતૂતો બહાર આવવાની શંકા પણ વ્યક્ત કરી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





