રાજકોટ,
શહેરને વ્યાજખોરોથી મુક્ત કરવા શહેર પોલીસ દ્વારા છ જેટલા લોકદરબાર યોજી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકદરબાર દ્વારા વ્યાજખોરીના દૂષણને દામવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. તેમજ આ પ્રયાસની સફળતાના મોટા દાવાઓ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિક્તા કંઇક જુદી જ છે. હજુપણ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. શહેરના એક બિલ્ડરને ૧૨ કરોડ ઉંચા વ્યાજે આપી કરોડોની પ્રોપર્ટી પડાવી લીધાની ૨૭ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.
શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કેશવ રેસિડેન્સીની બાજુમાં રહેતા બિલ્ડર વલ્લભભાઇ સીદપરાને રૂ.૧૨ કરોડ ઊંચા વ્યાજે ધીરી રાજકોટ, ગોંડલ, જેતપુર, સરધાર અને સાવરકુંડલાના ૨૭ વ્યાજખોરોએ કરોડો રૂપિયાની પ્રોપર્ટી પડાવી લેતાં બિલ્ડરે રાજકોટ શહેર છોડવું પડ્યું હતું, એટલું જ નહીં બિલ્ડરના પરિવારજનોની આર્થિક સ્થિતિ કફોડી બની હોવા છતાં વ્યાજખોરો વધુ નાણાંની માગ કરી ધમકીઓ આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તાલુકા પોલીસે બિલ્ડરના પુત્ર શૈલેષભાઇની ફરિયાદ પરથી ૨૭ વ્યાજખોરો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






