અમદાવાદ,તા.૨૦
રાજ્યમાં અનેક શાળાઓ શિક્ષકવિહોણી છે. બીજીબાજુ ટેટ પાસ કરેલા ઉમેદવારો નોકરીની રાહ જાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રકરણનું કોઈ નક્કર આયોજન ન હોવાની વિગતો સામે આવી છે. સરકારી સ્કૂલોમાં ૨૧ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, પરંતુ આ શિક્ષકોની ભરતી ક્યારે કરાશે તેનું સરકાર પાસે કોઈ આયોજન નથી. આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી વિગતોમાં માત્ર શિક્ષકોની કુલ જગ્યાઓ અને ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરાઈ છે, પરંતુ ભરતી કેલેન્ડરની વિગતો છુપાવવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની સરકારી સ્કૂલોમાં મંજૂર મહેકમ અને શિક્ષકોની ભરતી અને ખાલી જગ્યાની વિગતો માગી હતી. જેમાં સરકારી માધ્યમિક શાળામાં મંજૂર થયેલા મહેકમ ૨,૬૯૩ છે. જેની સામે ૨,૦૯૮ જગ્યાઓમાં શિક્ષકો કાર્યરત હોવાથી ૫૯૬ જગ્યાઓ ખાલી પડી છે.
જ્યારે ઉ. મા. શાળાઓમાં ૧,૬૯૩ના મંજૂર મહેક સામે ૧,૪૦૮ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૨૬૫ જગ્યાઓ ખાલી પડી છે. આ સિવાય હવે આગામી ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે વર્ષ-૨૦૨૦ સુધીમાં કેટલી જગ્યાઓ ભરાશે તેવી વિગતો માગવામાં આવી હતી જે રાજ્ય સરકાર દ્વારા છુપાવવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકારે અન્ય માધ્યમની પ્રાથમિક શાળાના ધોરણ.૧થી ૮માં ૧૦૨૬ બેઠકોમાં ભરતીની જાહેરાત આપી છે. અન્ય માધ્યમની સ્કૂલોમાં નજીવી બેઠકોમાં ભરતીની જાહેરાત આપી અનેક બેકાર શિક્ષિતોની ઘોર મશ્કરી કરવામાં આવી છે. આ પરીક્ષા દર વર્ષે લેવાનો નિયમ છે અને મોટાભાગે લેવામાં આવે છે. દરમિયાન આ કસોટીઓનું પરિણામ ૧૦ ટકાથી પણ ઓછું આવે છે. પરંતુ સામા પક્ષે તેમને નોકરી આપી બેકારીમાંથી મુક્ત કરવાનું સરકાર પાસે કોઈ નક્કર આયોજન જ નહીં. એટલે કે, પરીક્ષા લેવાનો કાર્યક્રમ ઘડાઈ જાય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





