
ભરૂચ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં તા.૧૨થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ જન્મેલા ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનની શોષણખોર નીતિઓ સામે આદિવાસી સમાજના હક, જમીન અને અસ્મિતાના રક્ષણ માટે ‘ઉલગુલાન’ જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમના જીવન અને બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. તા.૧૩ નવેમ્બરે પાંચ વિધાનસભા વિસ્તારોમાં યુવા સંમેલન, તા.૧૪ નવેમ્બરે સ્મારકો અને પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા દીપોત્સવ યોજાશે. જ્યારે તા.૧૫ નવેમ્બરે ઝઘડિયા વિધાનસભા વિસ્તારના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાશે.
આ ઉપરાંત તા.૧૬ નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, તા.૧૭ નવેમ્બરે પરંપરાગત દેશી ગ્રામીણ રમતોત્સવ અને તા.૧૮ નવેમ્બરે ચાર વિધાનસભા વિસ્તારોમાં આદિવાસી મહિલા સંમેલન યોજાશે. કાર્યક્રમોમાં લોકનૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ, વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. વન અધિકાર અધિનિયમ અને DBT સહિતની યોજનાઓ અંગે પણ માહિતી અપાશે.
પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા અને અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, પ્રાયોજન વહીવટદાર સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સપ્તાહની ઉજવણીનો હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, અધિકારો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અંગે જાગૃતિ લાવવાનો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


