મુંબઈમાં પાંચ વર્ષમાં જુદી-જુદી દુર્ઘટનામાં ૨૩૪ના મોત,૮૪૦ ઘાયલ

0
6

મુંબઈ,તા.૨૪
દેશની આર્થિક રાજધાની મુંબઈને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લાં સાડા પાંચ વર્ષમાં મુંબઈમાં જુદી જુદી દુર્ઘટનામાં લગભગ ૨૩૪ લોકોના મૃત્યુ થયા છે તો ૮૪૦ લોકો જખમી થયા હોવાની માહિતી રાઈટ ટુ ઈન્ફોર્મેશન ઍક્ટમાં બહાર આવી છે.
મુંબઈમાં દિવસેને દિવસે આગ લાગવાની અને બિલ્ડિંગ તૂટી પડવી, વૃક્ષ ધરાશાયી થવા, ભેખડ ધસી પડવી, ગૅસ લીકેજ થવો, દરિયામાં ડૂબી જવું, મૅનહાલમાં પડી જવું જેવી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે રાઈટ ટુ ઈન્ફોર્મેશન ઍક્ટ હેઠળ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ પાસેથી ૨૦૧૩થી ૨૦૧૮ સુધી મુંબઈમાં કેટલી દુર્ઘટનાઓ બની છે અને આ દુર્ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલા જખમી થયા છે તેની માહિતી માગવામાં આવી હતી. પાલિકા પાસેથી મળેલી માહિતીમાં ૨૦૧૩થી ૨૦૧૮ સુધીના સમયમાં ૨૩૪ લોકોના મૃત્યુ થયા હતા અને ૮૪૦ લોકો જખમી થયા હોવાનું જણાઈ આવ્યું હતું.
૨૦૧૩માં કુલ જુદી જુદી ૫૩૧ દુર્ઘટનાઓ બની હતી અને તેમાં ૧૦૧ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ૫૮ પુરુષ અને ૪૩ મહિલાનો સમાવેશ થાય છે. કુલ ૧૮૩ લોકો જખમી થયા હતા. ૨૦૧૪ની સાલમાં કુલ ૩૪૩ ઈમારત તૂટી પડવા સહિતની અલગ અલગ દુર્ઘટનામાં કુલ ૨૧ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ૧૭ પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે, જયારે ૧૦૦ લોકો જખમી થયા હતા. ૨૦૧૫ની સાલમાં ૪૧૭ દુર્ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા હતા, જેમાં ૧૧ પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે. ૧૨૦ લોકો જખમી થયા હતા. ૨૦૧૬ની સાલમાં ૪૮૬ જુદી-જુદી દુર્ઘટનામાં ૨૪ના મોત થયા હતા અને ૧૭૧ લોકો જખમી થયા હતા. ૨૦૧૭ની સાલમાં કુલ ૫૮૬ દુર્ઘટનામાં ૬૬ના મોત તો ૧૬૫ લોકો જખમી થયા હતા. જયારે ૨૦૧૮ની સાલમાં જુલાઈ સુધીમાંં ૩૫૯ દુર્ઘટનામાં સાતના મોત થયા હતા અને ૧૦૦ લોકો જખમી થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY