બિહારના શેલ્ટર હોમ કેસ : શું વિપક્ષને ભાજપને ઘેરવાનો મોકો મળશે..!!?

0
11

ભાજપ અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હમણાં બરાબરની બુંદ બેઠી છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે ને રોજ કંઈક ને કંઈક લફરાં ઊભાં થઈ જ જાય છે. બિહારના બહુ ગાજેલા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં ગુરૂવારે એવું જ થયું. આ કેસમાં બિહાર સરકારનાં મોટાં માથા સંડોવાયેલાં છે એવા આક્ષેપ થયા જ કરે છે. આ કેસની તપાસ સીબીઆઈ કરે છે ને નીતીશ કુમાર હમણાં ભાજપના પડખામાં ભરાયેલા છે તેથી સીબીઆઈ નીતીશ સરકારને માફક આવે એ રીતે રગશિયા ગાડાની જેમ કેસને ચલાવે છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ભડકી ને તેમણે નીતીશ કુમારની સરકારને બરાબરની તતડાવી નાખી. એટલું જ નહીં પણ આ કેસ બિહારની સીબીઆઈ કોર્ટમાંથી ખસેડીને દિલ્હીની કોર્ટમાં ચલાવવા ફરમાન કરી દીધું. દિલ્હીમાં પણ આ કેસ સીબીઆઈની કોર્ટમાં નહીં પણ પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) કોર્ટમાં ચાલશે. સુપ્રીમ કોર્ટે પોક્સો કોર્ટને છ મહિનામાં આ કેસનો નિવેડો લાવીને ચુકાદો આપવા પણ ફરમાન કર્યું છે.
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં જ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પણ તતડાવી નાખી. સીબીઆઈમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની ગોધાલડાઈ ચાલતી હતી એ વખતે મોદી સરકારે વચગાળાની વ્યવસ્થા તરીકે નાગેશ્વર રાવને કાર્યકારી ડિરેક્ટર બનાવેલા. આલોક વર્મા ને અસ્થાના બંને સુપ્રીમ કોર્ટમાં ગયેલા. સુપ્રીમે વર્માને સીબીઆઈના ડિરેક્ટરપદે બેસાડવા ફરમાન કરેલું પણ મોદીએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને વર્માનું પડીકું કરી નાખ્યું પછી નાગેશ્વર રાવને પાછા કામચલાઉ ડિરેક્ટર બનાવેલા.
વર્માએ ડિરેક્ટર બનતાં જ જે અધિકારીઓની બદલી કરેલી તેને રાવે રદ કરેલી ને લટકામાં સીબીઆઈને અખાડો બનાવી દેનારા કેટલાક અધિકારીઓની પણ બદલી કરી નાખી હતી. આ અધિકારીઓમાં સીબીઆઈના જાઈન્ટ ડિરેક્ટર એ. કે. શર્મા પણ હતા. કેન્દ્ર સરકારે અરૂણકુમાર શર્માને સીઆરપીએફના એડિશનલ ડી.જી. બનાવીને રવાના કરી દીધેલા. મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ શર્મા કરી રહ્યા હતા ને સુપ્રીમ કોર્ટે પહેલાં ફરમાન કરેલું જ કે, આ કેસની તપાસ કરી રહેલા કોઈ પણ અધિકારીની બદલી અમને પૂછ્યા વિના કરવી નહીં. આ વાત રાવના ધ્યાન બહાર રહી ગયેલી ને ઉપરથી દબાણ હતું એટલે તેમણે ચિઠ્ઠીના ચાકર બનીને સોંપેલું કામ કરી નાખ્યું.
ગુરૂવારે સુપ્રીમ કોર્ટ આ મામલે પણ બગડી ને તેમણે રાવને પણ બરાબરના તતડાવી નાખ્યા. સરકારી અધિકારીઓ જાડી ચામડીના હોય છે ને તેમને આ રીતે ખખડાવાય તેની ઝાઝી અસર થતી નથી. સુપ્રીમ કોર્ટને આ વાતની ખબર જ હોય તેથી તેમણે રાવને ખાલી ખખડાવીને છોડી મૂકવાના બદલે ૧૨ ફેબ્રુઆરીએ હાજર થવા ફરમાન કર્યું છે ને ચોખ્ખા શબ્દોમાં એવું પણ કહી દીધું છે કે, તમારી સામે કોર્ટની અવમાનના બદલ કાર્યવાહી થશે. સુપ્રીમે રાવને સીધી ને સરળ ભાષામાં કહ્યુ છે કે, તમે સુપ્રીમ કોર્ટના આદેશની ઐસીતૈસી કરી નાખી છે એટલે હવે તમને ભગવાન જ બચાવે. સુપ્રીમ કોર્ટે તો સીબીઆઈના નવા નિમાયેલા ડિરેક્ટર આર. કે. શુકલાને પણ ફરમાન કર્યું છે કે, સુપ્રીમ કોર્ટે ના પાડી પછી કેન્દ્ર સરકાર કઈ રીતે શર્માની બદલી કરી શકે ? શર્માની બદલીની પ્રક્રિયામાં જે પણ અધિકારીઓની સંડોવણી હોય એ બધાનાં અમને નામ આપો ને અમે બધાંને પાંસરા કરી નાખીશું.
સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમ કેસમાં આકરા તેવર બતાવ્યા છે ને સુપ્રીમ કોર્ટ જે રીતે બગડી છે એ જાતાં આ કેસમાં સીબીઆઈ ને કેન્દ્ર સરકારના અધિકારીઓના માઠા દાડા આવશે એવું કમ સે કમ અત્યારે તો લાગે જ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સીધી રીતે આ બંને ઘટના સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી. બિહારમાં નીતીશ કુમારની સરકાર છે ને સીબીઆઈ તપાસમાં ઢીલ કરી રહી છે તેના કારણે પસ્તાળ નીતીશ સરકાર પર પડી રહી છે. એ જ રીતે શર્માની બદલી કેન્દ્ર સરકારના ઈશારે થયેલી એ દીવા જેવી ચોખ્ખી વાત છે પણ એ નિર્ણય અધિકારીઓ મારફતે લેવડાવ્યો છે તેથી જે કંઈ થશે એ અધિકારીઓનું થશે. ટૂંકમાં ભાજપ કે મોદી સરકારને સીધી રીતે કશું થવાનું નથી પણ આ બંને બાબતોની અંતિમ અસર તેના પર પડવાની જ છે. આ અસરો શું હશે તેની વાત કરતાં પહેલાં ટૂંકાણમાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમની ઘટનાને સમજવી જરૂરી છે.
બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમમાં બનેલી ઘટના આપણા દેશની સૌથી મોટી કલંક કથાઓમાંથી એક છે. આ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલી ૩૪ માસૂમ છોકરીઓને સમાજના કહેવાતા મોટા લોકોએ પોતાની હવસનો શિકાર બનાવીને મહિનાઓ લગી ચૂંથ્યા કરી હતી. જેમને શારીરિક સંબંધ શું કહેવાય એ ખબર જ નથી એવી માસૂમ છોકરીઓનાં શરીરને હવસખોરો મહિનાઓ લગી ચૂંથતા રહ્યા ને સત્તાવાળા આ પાપલીલા સામે આંખ આડા કાન કરીને બેસી રહ્યા. ગયા વરસના એપ્રિલમાં ઓડિટ રિપોર્ટમાં પહેલી વાર આ વાત બહાર આવી છતાં બિહાર સરકારે કશું ના કર્યું. પહેલી વાર ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસે એપ્રિલમાં આ કૌભાંડનો ભાંડો ફોડેલો ને છતાં બિહાર સરકારે ચાર મહિના લગી કશું ના કર્યું. ઓગસ્ટ મહિનામાં એક છોકરીને તકલીફ થઈ ને પછી પાપ છાપરે ચડીને પોકાર્યું.
આ શેલ્ટર હોમ એક બિન સરકારી સંગઠન (એનજીઓ) ચલાવતું હતું ને તેનો સંચાલક વગદાર લોકોની હવસ સંતોષવા છોકરીઓને મોકલતો. આ શેલ્ટર હોમની ૩૯ છોકરીઓ આ વિકૃત્તિનો ભોગ બની હતી. બિહારના મુઝફ્ફરપુરનું શેલ્ટર હોમ ચલાવનારો માણસ નીતીશ કુમાર સરકારનાં એક મહિલા પ્રધાન મંજુ ગુપ્તાના પતિનો ખાસ માણસ હતો. મહિલા પ્રધાન મંજુ ગુપ્તાના પતિદેવ નિયમિત રીતે આ શેલ્ટર હોમમાં જતા ને અંદર શું ધંધા કરતા એ કહેવાની જરૂર નથી. આ વાતો બહાર આવી પછી ભાજપ ને જેડીયુ બંને તેમનો બચાવ કરવા કૂદી પડેલા. નીતીશ ને તેમના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી બંને આ બહેનનો બચાવ કરતા હતા. બહુ હોહા થઈ પછી ગુપ્તાએ રાજીનામું આપ્યું પણ પહેલાં તો વાતને દબાવવાની કોશિશ જ થયેલી.
બિહારમાં હમણાં તેજસ્વી યાદવ બરાબરના મચી પડ્યા છે ને તેમણે આ મામલાને બરાબર ચગાવ્યો પછી નીતીશ સરકારે તેની તપાસ સીબીઆઈને સોંપેલી. સીબીઆઈ તો રાજકારણીઓનો પાળેલો પોપટ છે ને તેમના ઈશારે બધું કરે છે. આ કેસમાં પણ સીબીઆઈએ કાચબા ગતિએ તપાસ કર્યા કરી તેમાં હજુ એક વરસ થવા આવ્યું છતાં કશું થયું નથી. સુપ્રીમ કોર્ટ બગડી તેનું કારણ આ ધીમી ગતિની તપાસ જ છે.
હવે સુપ્રીમ કોર્ટના આદેશની શું અસર થશે તેની વાત કરી લઈએ. બિહારમાં આ મામલો બરાબર ગાજી જ રહ્યો છે ને નીતીશના વિરોધીઓ પૂરી તાકાતથી મચી પડ્યા છે. ભાજપ સીધી રીતે આ કેસમાં સામેલ નથી પણ એ નીતીશનો ભાગીદાર છે તેથી તેને પણ અસર પડે જ. લીલા ભેળું સૂકું બળે એમ નીતીશનાં પાપોની કિંમત ભાજપે ભોગવવી જ પડશે. સુપ્રીમ કોર્ટે આ કેસ બિહાર બહાર ખસેડવાનું ફરમાન કર્યું તેનો અર્થ એવો જ કઢાશે કે નીતીશ કુમારને બચાવવા મોદી સરકારે તપાસ ઢીલમાં નખાવી એટલે સુપ્રીમે આ ફરમાન કરવું પડ્યું. લોકસભાની ચૂંટણી માથે છે ને અત્યારે બિહારમાં આ મુદ્દો સૌથી મોટો છે. એ સ્વાભાવિક પણ છે કેમ કે આ મુદ્દો માસૂમ છોકરીઓની જીંદગીનો છે.
શેલ્ટર હોમમાં એવી છોકરીઓને મોકલાતી હોય છે કે જેમનું કોઈ ના હોય. આવી નિરાધાર છોકરીઓને હૂંફ આપીને તેમનામાં આત્મવિશ્ર્વાસ પેદા કરવાના બદલે તેમને હવસ સંતોષવાનું રમકડું બનાવી દેવાય એ નીચતાની ચરમસીમા કહેવાય. આવી નીચતાનો મુદ્દો ગાજે એ જરૂરી જ છે. નીતિશ કુમાર આવી નીચતાને છાવરે ત્યારે તેને રાજકીય મુદ્દો બનાવાય તેમાં કશું ખોટું નથી. આ મુદ્દે નીતીશ કુમારને લોકો લાત મારીને કાઢી મૂકે તો એ પણ બરાબર જ હશે.
સીબીઆઈના રાવ સામે સુપ્રીમ કોર્ટ અવમાનનાનો કેસ ચલાવે તેમાં મોદી સરકારને સીધું કશું લાગતું વળગતું નથી ને અધિકારીઓને બલિના બકરા બનાવીને મોદી સરકાર હાથ ખંખેરી શકે. જા કે આ નિર્ણય તેના ઈશારે જ લેવાયો છે એ જાતાં તેના બીજા અધિકારીઓ પણ લપેટમાં આવશે જ. સુપ્રીમ કોર્ટ સરકારને સીધું કશું ના કહે પણ સરકારના અધિકારીઓની સામે પણ પગલાં લે એ સરકાર સામે જ પગલાં કહેવાય. મોદી સરકાર કોઈને ગાંઠતી નથી એવા આક્ષેપો થયા જ કરે છે. સુપ્રીમ સજા કરશે તો વિપક્ષોને આ આક્ષેપો વધારે જારથી કરવાનો મોકો મળી જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY