ડાકોર ઉમરેઠ રોડ પર કાર્યરત એક સંસ્થાએ આંગણવાડીમાં નોકરીની લાલચે 13 લાખ રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરી હોવાનો નર્મદાના આદિવાસીઓનો આક્ષેપ,પોલીસ ફરિયાદ બાદ વધુ છેતરપીંડી બહાર આવવાની શક્યતા.
રાજપીપળા:હાલમાં ગુજરાત અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સરકારી સહાયના નામે લેભાગુ સંસ્થાઓ અને વ્યક્તિઓ લાખો રૂપિયા ઉઘરાવી છુમંતર થઈ જતા હોવાના કિસ્સા અવારનવાર બનતા જ હોય છે.તો આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં પણ પ્રકાશમાં આવ્યો છે.જેમાં આંગણવાડીમાં નોંકરીની લાલચે ડાકોર ઉમરેઠ રોડ પરની એક સંસ્થાએ લાખો રૂપિયા ઉઘરાવી અંતે હાથ અધ્ધર કરી દીધા હોવાનો આક્ષેપ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા,સાગબારાના આદિવાસીઓએ લગાવ્યો છે.અને આ મુદ્દે ડેડીયાપાડા પોલીસ મથકમાં એક અરજી કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
ડેડીયાપાડા-સાગબારાના 14થી વધુ લોકોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી બાબતે રજુઆતમાં જણાવ્યું છે કે ભરૂચ,નર્મદા,છોટાઉદેપુર,દાહોદ,ગોધરા તેમજ મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ડાકોર ઉમરેઠ રોડ પરની એક સંસ્થાને આંગણવાડી ચાલુ કરવા સરકારી મંજૂરી મળી હોવા ઉપરાંત આંગણવાડીમાં નોકરી પણ આપવાની વાત અમને ધ્યાને આવી હતી.જેથી અમે ડાકોર સ્થિત એ સંસ્થાનો 30/12/2017ના રોજ રૂબરૂ સંપર્ક કરવા ગયા હતા.ત્યારે આંગણવાડીમાં સુપરવાઈઝર તરીકે નિમણૂક માટે 1500 રૂપિયા,કાર્યકર અને તેડાગર તરીકે નિમણૂક માટે 600 રૂપિયા પ્રવેશ ફી તથા બેંક ખાતું ખોલાવવા જરૂરી દસ્તાવેજો સાથે વધારાના 1000 રૂપિયા પણ આપવાનું જણાવ્યું હતું.અમારી તો એ જ સમયે પરીક્ષા લઈ અમને નિમણૂક અને ઓળખપત્ર પણ આપી દીધા હતા.સાથે સાથે અન્ય વિસ્તારોમાં પણ આવી નિમણૂક માટે પૈસા ઉઘરાવી એમના બેંક ખાતામાં જમા કરાવવાની અમને કામગીરી સોંપી હતી.તે મુજબ અમે અન્ય વિસ્તારોમાં આંગણવાડી પણ શરૂ કરી દીધી,સ્ટાફની નિમણૂક પણ કરી દીધી હોવા છતાં અમારું મહેનતાણું ચુકાવ્યું નથી.એ સંસ્થાના લોકોએ અમુક લોકો પાસેથી વાહનની લોન અપાવવા સિક્યુરિટી રૂપે કોરા ચેક પણ લીધા છે અને કોરા વાઉચરો પર સહી પણ કરાવી લીધી છે.
બાદ અમે અમારા પગાર બાબતે સંસ્થાનો સંપર્ક કર્યો ત્યારે એવો જવાબ મળ્યો કે સરકારી મંજૂરી હજુ મળી નથી મજૂરી મળવાથી તમારો પગાર થઈ જશે.અંતે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે આ સંસ્થાએ નોકરી અને સહાયના નામે ગરીબ આદિવાસીઓને ભોળવી 13 લાખ જેટલી રકમ ઉઘરાવી લીધી છે.તો આદિવાસીઓને છેતરનારી આ સંસ્થા સામે ગુનો દાખલ કરવા લોકોએ ડેડીયાપાડા પોલિસ મથકમાં લેખિત રજુઆત કરી છે.હાલ તો આ મુદ્દે ગુનો નોંધાયો ન હોવાનું જાણવા મળે છે પણ ગુનો નોંધાયા બાદ જ્યારે તલસ્પર્શી તપાસ થશે ત્યારે વધુ છેતરપિંડી બહાર આવવાની શક્યતાઓ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.ન.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"