ભાજપના મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળતા રેશ્મા પટેલે રોષ વ્યક્ત કર્યો
અમદાવાદ,તા.૨૧
તાજેતરમાં પાટીદાર સમાજની માંગણીઓને અમલમાં મુકવાને લઈ ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે જ બળવો કર્યો. જેને પગલે ભાજપ પણ હવે તેમની અવગણના કરી રહ્યો છે. શુક્રવારથી શરૂ થયેલા ભાજપ મહિલા અધિવેશનમાં રેશ્મા પટેલને આમંત્રણ આપ્યું નથી. ભાજપ કારોબારીમાં હાજરી આપી ચૂકેલા રેશ્માની મહિલા અધિવેશનમાં બાદબાકી સૂચવે છે કે, પક્ષ સામે જ બંડ પોકારવાના પરીણામની શરૂઆત થઈ ગઈ છે. જા કે રેશ્મા પટેલનું કહેવું છે કે, ટોચના નેતાઓની ત્રુટીઓના કારણે ભાજપમાં યોગ્ય ન્યાય મળતો નથી.
રેશ્માએ આગળ કહ્યું કે, મારી ઓળખ સમાજ અને લોકોએ આપી છે. ભાજપ થકી નથી, જેથી ભાજપ મને કાઢી મુકે તો પણ કોઈ ફેર પડતો નથી. હું સમાજ અને પ્રજાના કાર્યો માટે આ જ રીતે લડતી રહીશ, કારણ કે હું પ્રજા માટે રાજનીતિમાં આવેલી છું.
મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે રેશ્માએ સ્પષ્ટતા કરી કે, એવું લાગે છે કે મારાથી ભાજપને કોઈ તકલીફ છે. મહિલા સશક્તિકરણ વાતો કરનારા ભાજપને ચૂંટણી સમયે જ કેમ મહિલાઓ યાદ આવે છે?. મને આમંત્રણ નહીં મળવા અંગે હું કોઈ રજૂઆત કરીશ નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




