અમરેલી,
૦૯/૦૩/૨૦૧૮
અમરેલી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુળ અમરેલીના વતની અને સુરતમાં બીલ્ડર તરીકે સ્થાઈ થયેલા શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી જઈ ચીલોડાના એક ફાર્મ હાઉસમાં ગેરકાયદે ગોંધી રાખી માર મારી રૂપિયા ૧૨ કરોડની કિંમતના ૨૦૦ બીટકોઈન ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે ફરિયાદ થતાં હવે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જા કે અમરેલી પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. અમરેલી પોલીસે આ મામલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાને બદલે માધ્યમોને શૈલેષ ભટ્ટના ગુનાહિત ઈતિહાસની એફઆઈઆર મોકલી આપી હતી.
શૈલેષ ભટ્ટનો ભુતકાળ ગુનાહિત હોય તો પણ અમરેલી પોલીસને શૈલેષ ભટ્ટનો તોડ કરવાની મંજુરી મળી જતી નથી. તેનો અર્થ એવો થયો કે કોઈ સ્ત્રી દેહ વ્યાપારના ધંધામાં હોય તો તેની ઉપર કોઈ પણ પુરૂષ બળાત્કાર ગુજારી શકે છે કારણ તે વેશ્યા છે. ખરેખર અમરેલી પોલીસે ખુલાસો કરવાની જરૂર છે કે અમદાવાદથી ચારસો કિલોમીટર દુર એટલે ગાંધીનગર સુધી અમરેલી ક્રાઈમ બ્રાન્ચ કયાં ગુનાની તપાસમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પાસે શૈલેષ ભટ્ટ સામેની કોઈ અરજી હતી? હતી તો અરજીની તપાસ પોલીસ ઈન્સપેકટર પોતે કરે છે કે હેડ કોન્સટેબલને સોંપવામાં આવે છે.
માની લઈએ શૈલેષ ભટ્ટ સામે કોઈ ગંભીર પ્રકારના ગુનાની અરજી આવી હતી. તો અમરેલી પોલીસ દ્વારા ફોન અથવા લેખિત સમન્સ મોકલી શૈલેષ ભટ્ટને અમરેલી ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. જાકે તેવું કર્યું નથી, તો અમરેલી પોલીસ કઈ રીતે સીધી ગાંધીનગર શૈલેષ ભટ્ટને ઉપાડવા પહોંચી ગઈ હતી. જિલ્લા પોલીસને પોતાની હદ છોડતા પહેલા ડીએસપીને લેખિતમાં જાણ કરવાની હોય છે અને કંટ્રોલરૂમમાં તેની એન્ટ્રી કરાવવાની હોય છે, આ ઉપરાંત સ્ટેશન ડાયરીમાં પણ નોંધ કરવાની હોય છે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ આવી કોઈ પણ નોંધ જાણ કર્યા વગર સરકારી પોલીસના વાહનો લઈ છેક ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. જા કે જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલે હવે પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે. વાસ્વીકતા એવી છે કે જિલ્લા પોલીસ વડાની જાણ બહાર કોઈ પણ ઈન્સપેકટર પોતાના સ્ટાફ સાથે ગાંધીનગર સુધી પહોંચી શકે નહીં.
શૈલેષ ભટ્ટનું એક રહેઠાણ સુરત અને બીજુ અમરેલીમાં છે, પરંતુ શૈલેષ ભટ્ટ ગાંધીનગરમાં છે તેવું ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલને કેવી રીતે ખબર પડી, આ અંગે અનંત પટેલે કબુલ્યું હતું કે, અમે શૈલેષ ભટ્ટનું ટાવર લોકેશન લેતા હતા, જેના આધારે તે ગાંધીનગરમાં હોવાની અમને જાણ થઈ, કોઈ પણ ગુનાના કામે આરોપી અને કોઈ પણ શંકાસ્પદ વ્યકિતનો ફોન ટેપ કરવાની અને ટાવર લોકેશન લેવાની પોલીસની સત્તા છે, પણ તેના માટે આઈજી કક્ષાના સક્ષમ અધિકારીની મંજુરી અનિવાર્ય છે. પણ આ કિસ્સામાં તો માત્ર અરજી હતી, જ્યાં સુધી અરજી ગંભીર પ્રકારનીના હોય અને કોઈના જીવનું જાખમ ના હોય તેવા કિસ્સાને બાદ કરતા પોલીસ કોઈ પણ નાગરિકનું ટાવર લોકેશન લઈ શકતી નથી, પણ આ કિસ્સામાં તો ક્રાઈમ બ્રાન્ચે કાયદો ખીસ્સામાં મુકી કામ કર્યું છે.
કોઈ પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસને અનેક વખત કાયદાની બહાર જઈને પણ કામ કરવુ પડતું હોય છે તેની ના નથી, પણ જા ખરેખર શૈલેષ ભટ્ટ સામેના આરોપો અને પુરાવા ગંભીર હતા અને તેના કારણે કાયદાને બાજુ ઉપર મુકી અમરેલી પોલીસ ગાંધીનગર સુધી લાંબી થઈ અને શૈલેષ ભટ્ટ પકડાઈ ગયા બાદ ગાંધીનગર પોલીસમાં એન્ટ્રી કરાવી અથવા સીધા શૈલેષ ભટ્ટને અમરેલી લઈ જવાને બદલે ચીલોડાના એક ખાનગી ફાર્મ હાઉસમાં કેમ લઈ જવામાં આવ્યા હતા. પોલીસનો દાવો કે તેમનું નિવેદન લેવાનું હતું, પણ નિવેદન લેવા માટે ફાર્મ હાઉસ કેમ પસંદ કર્યું અને આટલુ બધુ કર્યા પછી શૈલેષ ભટ્ટને જવા કેમ દિધા હતા? અમરેલી પોલીસના બચાવ પ્રમાણે તેમણે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કર્યો નથી, છતાં તેમનો વ્યવહાર શંકા ઉપજાવે તેવો જરૂર છે.
આખી ઘટનામાં સૌથી વધુ કોઈની જવાબદારી હોય તો અમરેલીના પોલીસ વડા જગદીશ પટેલની છે તેમાં કોઈ શંકા નથી, કે ઈન્સપેકટર અનંત પટેલ તેમની સૂચના પ્રમાણે અમરેલીથી નિકળ્યા હતા અને તેમણે જે કઈ પણ કર્યું તે જગદીશ પટેલની સૂચના પ્રમાણે જ કર્યું હતું, કારણ આજ સુધી જગદીશ પટેલે ઈન્સપેકટર પટેલને ગેરકાયદે સરકારી વાહન સાથે ગાંધીનગર કેમ ગયા હતા, તેનો ખુલાસો પુછયો નથી. તેનો અર્થ તેઓ બધુ જાણતા હતા અને તેમના આદેશ પ્રમાણે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, પણ હવે તેમણે બધી જવાબદારી ઈન્સપેકટર અનંત પટેલ ઉપર ઢોળી દીધી છે અને પટેલ ફસાઈ જવા છતાં હજી પોતાના ડીએસપીના ગેરકાયદે આદેશ અંગે બોલવા તૈયાર નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"