દેશભરમાં લોકસભા ચૂંટણીઓની દુદૂભીઓ જોરજોરથી વાગી રહી છે. વિવિધ પક્ષો રેલીઓ અને સભાઓમાં પ્રજાને લેવાદેવા નથી તેવા આક્ષેપોની ભરમાર ચાલી રહી છે. પરંતુ કોઈપણ પક્ષને પ્રજાના મુળભૂત કે સળગતા પ્રશ્નો દેખાતાજ નથી. અને લોકો પણ સમજ્યા વગર કે જાણે-અજાણે પોતાના પર શું વિતી રહી છે અને ગામના, શહેરના મુળ પ્રશ્નો શું છે તે ભૂલી જઈને હઈશો હઈશો કરે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે ખરેખર રાજકીય પક્ષો પ્રજાહિત માટે દોડી રહ્યા છે કે માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ માટે જ….? અત્યારે દેશભરમાં જેતે પક્ષોની રેલીઓ તેમજ સભાઓ યોજાઇ રહી છે જેમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપો કે વ્યકિતગત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કે જેની સાથે લોકોને કશું જ લાગતુંવળગતું નથી. કોઈ પણ પક્ષ મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, નિશુલ્ક તબીબી સેવાઓ જેવા મૂળભૂત લોક પ્રશ્નો કોઈ ઉઠાવતું નથી. છતાં બધે દે ધનાધન ચાલે છે…..!! ત્યારે સવાલ થાય છે કે શું મતદારોમાં જાગૃતિનો અભાવ છે…?! કોઈપણ લોક પ્રશ્નોના કોઈ જવાબ આપતા નથી અને લોકો આ બધો તમાશો જાયા કરે છે….!! અરે એ તો ઠીક આજદિન સુધી દેશમાં કોઈપણ પક્ષે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હોય છતાં તેનો વિરોધ થતો નથી પણ આ વખતે આવુ થઈ રહ્યુછે તેનો અર્થ પ્રજા સમજી રહી છે કે વિરોધ કરવાનું કારણ શું…?
૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપાએ લોકોના સળગતા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમજ ભવિષ્યમાં લોકો ને શું લાભ મળશે સહિતના વિવિધ મુદ્દા ઉઠાવીને તેને તેના ચૂંટણી ઢંઢેરાને સંકલ્પપત્ર તરીકે જાહેર કર્યો હતો. જેમાં ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત, કાળું નાણું ખતમ કરવા સાથે વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત, અને લોકોના ખાતામાં ૧૫ ૧૫ લાખ ની વાત, પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવાની વાત, તેની સાથે રામ મંદિર ની વાત, તો સારું શિક્ષણ અને નિશુલ્ક સારી તબીબી સેવાઓ હોસ્પિટલોની વાત, મહિલા સુરક્ષા વાતો હતી. કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવોની વાત હતી, સારા બિયારણ ની વાત હતી, બે કરોડ રોજગારી નિર્માણની વાત, અને ખાસ તો આતંકવાદને ખતમ કરવાની અને એકના બદલે દસ માથાં લાવવાની વાત હતી. અને આ વાયદાઓ ને કારણે પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્્યો. મતદારો ભાજપ ઉપર ઓળઘોળ થઈ ગયા અને ધોધમાર મતો વરસાવી સ્પષ્ટ બહુમતી આપીને સત્તાનુ સુકાન સોંપ્યું હતું. પરંતુ ભાજપાને સત્તા સોપ્યા પછી દેશમાં જે કાંઈ પગલા લેવામાં આવ્યા તેનાથી દેશભરમા મોટા ભાગના લોકો પરેશાન થઈ ગયા….! નોટબંધી આમ પ્રજાને નડી ગઈ. ધંધા રોજગાર ઉપર ઘેરી અસર પડી….! તો જીએસટી એ નાના મોટા વેપારીઓ થી લઈને નાના મોટા ઉદ્યોગોને ભારે તકલીફમા મુકી દીધા તે સાથે મોંઘવારી આસમાને આંબી ગઈ ૧૧ ઓ નાના એકમો બંધ થઈ ગયા…!! લાખો લોકો બેરોજગાર બન્યા ઉપરાંત નવી નોકરીઓનું સર્જન પણ ના થયું પરિણામે લોકોનો આક્રોશ ભાજપા વિરૂધ્ધ ફરી વળ્યો….!!
આવી તમામ બાબતોથી વાકેફ ભા.જ.પા નેતાગીરીએ ૨૦૧૪ના તમામ મુદ્દા છોડીને મે ફકીર હું, મેં ચોકીદાર હુ,મેં કામદાર હું, મેં ગરીબ હુ, વિરોધ પક્ષ મને કામ કરવા દેતો નથી, ઉપરાંત નેહરુએ આવું કર્યું હોત કે કે તેવું કર્યું હોત તો….! સરદાર પટેલ વડાપ્રધાન હોત. ઉપરાંત કોંગ્રેસમાં વંશવાદ ચાલે છે, ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ જેવા મુદ્દા સતત ચગાવતા રહ્યા, તો એર સ્ટ્રાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો તે સાથે ગઠબંધનને મહા મિલાવટી ગઠબંધન ગણાવ્યું પણ મૂળ પ્રજાકીય એક પણ મુદ્દો અત્યાર સુધીમાં ઉઠાવ્યો નથી….!!
અત્યારે ચૂંટણીના માહોલમાં દેશની આમ પ્રજા દેશમાં ચાલતા દરેક પક્ષોનો તમાશો જાઈ રહી છે.જે જાઈને પ્રજા પણ શાણી બની ગઈ છે, મન કળાવા દેતી નથી તમામ ને આવકાર આપી રહી છે.બીજી તરફ કોંગ્રેસે એક પછી એક સોગઠી મારવાનું ચાલુ કર્યું અને જેને ભા.જ.પા પપ્પુ કહેતા તે રાહુલ ગાંધીએ પોતે એક ઘડાયેલા રાજકારણી છે તેની સાબીતી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં પ્રવેશ આપવા સાથે મહત્વનો હોદ્દો અને ચૂંટણીની જવાબદારી સોંપીને આપી દીધી. તે સાથે જે રીતે બંને ભાઈ બહેન એટલે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મેદાને જંગમાં ઉતરી એક પછી એક રેલીઓ કરવા સાથે સભાઓ યોજી કે જેમાં લોકો મન મુકીને તેમની સાથે વિશાળ સંખ્યામાં ઉમટી પડવા લાગ્યા. અરે એ તો ઠીક સ્થાનિક મુદ્દા સાથે તેમની સૌમ્ય વાતોએ સામાન્ય પ્રજામાં મોટી અસર કરી છે. તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા એ પણ સામાન્ય મતદારોમાં મારે આકર્ષણ જમાવ્યું છે જે ખરેખર દેશમાં પરિવર્તન થઈ રહ્યુ હોય તેવા અણસાર આપે છે અને આ કારણે ભાજપાની નેતાગીરી પણ અકળાઈ ગઈ છે પરિણામે કેટલાક ભાજપા નેતાઓએ વાણીવિલાસ કરવા સાથે રાહુલ પ્રિયંકા ઉપર હીન કક્ષાની વાર્તા કરી જેનાથી લોકોમાં પણ નફરત પેદા થવા પામી છે. તો ભારતીય સેનિકી માટે જે વાતો કે ઉચ્ચારણો ભાજપા નેતાઓએ કરી તેનાથી પણ લોકોમાં આક્રોશ છે….!? હવે મૂળ વાત એટલી જ કે લોકોએ એવો અવાજ ઉઠાવવાની જરૂર છે કે આડી અવળી મુદ્દા સિવાયની કોઈ વાતો ન કરે, ખોટા વાયદા ના કરો માત્ર થઈ શકે એ જ વાયદાઓ રાજકીય પક્ષો કરે જેથી પ્રજાએ પોતે શું કરવું તે નક્કી કરી શકે….!!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




