બનાસકાંઠા,તા.૧૦
સામાન્ય રીતે રાજ્યમાં ચોરીના બનાવો બને તે તો સમજ્યા પરંતુ હવે તો સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત નથી. હાલ એક એવો અચરજ પામે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બનાસકાઠાના છાપીમાં બન્યો છે. જ્યાંથી લૂંટારુંઓ આખેઆખી ૧૦૮ એમ્બ્યુલન્સની ચોરી કરી ગયા છે.
આ કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું, અંદર ૧૦૮ની અંદર લાગેલા GPS ટેકરની મદદથી તેને હાલ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, GPS ટેકરની મદદથી એમ્બ્યુલન્સનું લોકેશન જાણવામાં આવ્યું હતું, અને ત્યાં અધિકારીઓ પહોંચ્યા હતા. હાલ જેતડા ગામેથી બિનવારસી હાલતમાં ૧૦૮ મળી આવી છે, ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર હાઇ-વે પરથી શનિવારે મોડી રાત્રે ૧૦૮ એમ્બ્યુલન્સ ગાડીને કોઇ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હતો, આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને તેમણે તાબડતોડ રીતે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ૧૦૮ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ એમ્બ્યુલન્સમાં રહેલા GPSની મદદથી પોલીસે ગાડીને શોધવાની કવાયત હાથ ધરી હતી. પોલીસને છેલ્લું લોકેશન છાપી પાસે બતાવતું હતું, જેથી સમગ્ર કાફલા સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા. છેલ્લે મળી રહેલા અહેવાલ મુજબ હાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મળી ગઇ છે, અને તે જેતડા ગામેથી બિનવારસી હાલતમાં મળી આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




