ભુજના ટાઉનહોલ ખાતે આજે જિલ્લા વહીવટીતંત્ર અને ભારત બધિર મિત્ર મંડળ દ્વારા મૂક-બધિર યુવક-યુવતિઓના જીવનસાથી પસંદગી સંમેલનનો જિલ્લા કલેકટર રેમ્યા મોહન હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
ભુજના ટાઉનહોલમાં આયોજિત મૂક-બધિર યુવક-યુવતિ જીવનસાથી પસંદગી સંમેલનમાં કચ્છ તેમજ કચ્છ બહારથી આવેલા ૫૨(બાવન) યુવક અને ૯(નવ) યુવતિઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને ભારત બધિર મિત્ર મંડળ દ્વારા પ્રચાર-પ્રસારના માધ્યમોથી વધારેને વધારે દિવ્યાંગ ભાઇ-બહેનોને જીવનસાથી પસંદગી માટે તક મળી શકે તે પ્રકારે એક પ્રકારનું પ્લેટફોર્મ પુરૂ પાડવાના પ્રયાસને બિરદાવી આ કાર્યમાં સહયોગી થયેલા અદાણી ફાઉન્ડેશન અને વેલસ્પ્ન ગ્રુપ દ્વારા સીએસઆર ના માધ્યમથી કરાતી કામગીરી બદલ આભારની લાગણી વ્યકત કરી ભવિષ્યમાં આવા કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ વિભાગના પોલીસવડા એમ.એસ.ભરાડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વિભાગના શ્રી ચૌહાણ, અદાણી ફાઉન્ડેશન તેમજ વેલસ્પન ગ્રુપના નિરંજનભાઈ સહિત હરિશ ઘેલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે ભારત મૂક બધિક મંડળના વસંતભાઈ ઘેલાણીએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય આપતાં જણાવ્યું હતું કે, જીવનસાથી પસંદગી મેળો યોજીને દિવ્યાંગોને જીવનસાથી મળે તે માટે છેલ્લાં ૧૬ વર્ષથી સંસ્થા કાર્યરત હોવાનું જણાવી લગ્ન કરનાર યુવક અને યુવતિને રૂ. ૫૦-૫૦ હજાર મળી રૂ. ૧ લાખ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, તેની વિગતો આપી જિલ્લા વહીવટીતંત્ર તેમજ વેલસ્પન અને અદાણી કંપની પ્રતિનિધિ સહિત સૌ સહયોગીનો આભાર વ્યકત કરી આગામી ૧૬મી જૂલાઇ-૨૦૧૯માં ફરીને આયોજન કરાશે તેમ જણાવી તેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.
ઉદ્દઘાટનવિધિ બાદ મૂક-બધિક દિવ્યાંગોની પરિચય કાર્યનો પ્રારંભ થયો હતો જેમાં જીવનસાથી પસંદગી માટે ભરાયેલ ફોર્મ અને લગ્નોત્સુક યુવક-યુવતિની માહિતી ઉભયપક્ષોને સાંકેતિક ભાષામાં અને ઉદ્દઘોષણ દ્વારા અપાઇ હતી. મૂક-બધિક દિવ્યાંગોએ જીવનસાથી પસંદગી સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આભારદર્શન સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અરવિંદ રોહડીયા કર્યું હતું. આ પ્રસંગે સહયોગી સંસ્થાઓ, દિવ્યાંગ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





