સિલિકોન શોપર્સના બિલ્ડરને ૨ કરોડ માટે ખંડણી કોલ-ફાયરીંગ કેસ
બિલ્ડર માટે કામ કરતા પલસાણાના જમીન દલાલે ટીપ આપી હતી: તરુણ સહિત પાંચ પકડાયા: એક આરોપી કાપડ વેપારી
સુરતના ઉધના મેઇન રોડ પર સિલીકોન શોપર્સના બિલ્ડર કમ તેલના વેપારીને રૃા.૨ કરોડની ખંડણી માટે કોલ બાદ તે જ કોમ્પ્લેક્ષમાં એલઇડીના વેપારી પર બે રાઉન્ડ ફાયરીંગની ઘટનામાં ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બિલ્ડર – તેલના વેપારીની ટીપ આપનાર પલસાણાના જમીન દલાલ અને ખંડણી માટે ફોન કરનાર તેમજ ફાયરીંગ કરનાર બિહારી યુવાન, કાપડ વેપારીના ૧૯ વર્ષીય પુત્ર, વરાછાના યુવાનની ધરપકડ કરી એક તરૃણની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મંગળવારે સવારે ઉધના મેઇનરોડ સિલિકોન શોપર્સમાં ઓફિસ ધરાવતા તેના જ બિલ્ડર અને તેલના વેપારી ભીખમ જૈનને રૃ. ૨ કરોડની ખંડણી માટેનો ફોન આવ્યા બાદ સામેની ઓફિસમાં એલઇડી લાઇટના વેપારી અશોકભાઇ શાહ ઉપર એક હેલ્મેટધારી બે રાઉન્ડ ફાયરીંગ કરી બહાર ઉભેલા તેના સાથી સાથે બાઇક પર બેસી ભાગી છુટયો હતો. ફાયરીંગ બાદ ભીખમ જૈનને ફરી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ઘટના બાદ પોલીસે મોબાઇલ સર્વેલન્સ અને હુમલાખોરો જે દિશામા ભાગ્યા હતા તે રોડના સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરૃ કરી હતી.
ઉધના પોલીસ મથકની ટીમે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમની ટીમ સાથે મળી ભટાર ચાર રસ્તા પાસેથી મળેલા ફૂટેજના આધારે સીટીલાઇટ રોડ આર્જવ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી પ્રતિક ખન્નાના ૧૯ વર્ષીય પુત્ર પ્રખર અને ત્યાં કામ કરતા તરૃણને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ ખંડણી- ફાયરીંગના બનાવમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી.
તેમની પુછપરછના આધારે ગુનામાં સામેલ સરચુ ઉર્ફે કરણ રામઅવતાર ફકીરા રાય (રહે. વેસુ, સુરત) અને જીગર નીતિનભાઇ પટેલ (રહે. વરાછા, સુરત)ની પણ ધરપકડ કરી હતી. ખંડણી-ફાયરીંગની ઘટનાને અંજામ આપવા જીગરે વરાછા વિસ્તારમાંથી બાઇક ચોરી હતી. તેમજ સરચુ તેમજ પ્રખરે વેસુરોડ ઉપર બે રાહદારીના મોબાઇલ ફોન ઝુંટવી એક મોબાઇલ ફોનમાંથી સીમકાર્ડ કાઢી બીજા મોબાઇલ ફોનમાં નાંખ્યો હતો. અને સરચુએ ભીખમ જૈનને ખંડણી માટે ફોન કર્યો હતો.
ભીખમ જૈન ઉપર ફાયરીંગ કરવા ચોરીની બાઇક લઇ જીગર સરચુને લઇ નીકળ્યો હતો. તે બહાર ઉભો રહયો અને સરચુએ અંદર જઇ ભૂલથી ભીખમ જૈનને બદલે અશોક શાહ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેઓ બચી ગયા હતા. ફાયરીંગ વેળા પ્રખર અને તરૃણ ત્યાં વોચમાં જ હતા.
સરચુને ભીખમ જૈનની ટીપ પલસાણાના મલેકપુરમાં રહેતા અને ભીખમ જૈન માટે જમીનની દલાલીનું કામ કરતા યોગેશ્વર મનોજભાઇ મૈસુરીયાએ આપી હતી. સરચુને બે વર્ષથી ઓળખતા યોગેશ્વરે ભીખમનો મોબાઇલ નંબર, આવવા જવાના સમય, ઓફિસ અને ધંધાના ટર્ન ઓવરની માહિતી આપી હતી. યોગેશ્વરની પણ ધરપકડ કરાઇ છે. તેમજ ગુનામાં વપરાયેલી મોટરસાયકલ, એકટીવા કબજે કરી હતી તેમજ સરચુએ બનાવ બાદ મિત્ર માનવને આપેલી પિસ્તોલ પણ કબજે કરાઇ છે.
બે આરોપી યુવાનના માતા-પિતાના ડીવોર્સ થયા છે
પ્રખરના પિતા સાડીના વેપારી માતા ખાનગી યુનિ.માં પ્રોફેસર
કાનપુરના વતની પ્રખરે હાલમાં ધો-૧૨ની પરીક્ષા પાસ કરી: ભાવનગર જીગરના માતા-પિતા પણ ડીવોર્સી: તરુણ પણ પરિવારથી અલગ રહે છે
ખંડણી-ફાયરીંગની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રખર અને જીગરના માતા-પિતાએ છુટાછેડા લીધા છે. જ્યારે તરૃણ પરિવારથી અલગ રહે છે. પ્રખરે હાલમાં જ મેરઠથી ધો. ૧૨ પાસ કર્યું છે.
ખંડણી-ફાયરીંગના બનાવમાં ઝડપાયેલા આરોપીઓમાં એક દુ:ખદ સંયોગ જોવા મળ્યો હતો. પ્રખરના પિતા મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરના વતની છે અને સુરતમાં સાડીના વેપારી છે. જ્યારે તેની માતા ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જો કે, બંનેના છુટાછેડા થઇ ગયા છે. પ્રખરે હાલમાં જ મેરઠથી ધો. ૧૨ની પરીક્ષા પાસ કરી હતી.
અન્ય આરોપી જીગર મૂળ ભાવનગરનો વતની છે અને તેના માતા-પિતાએ પણ છુટાછેડા લીધા છે. પ્રખરને ત્યાં કામ કરતો તરૃણ પણ પરિવારથી અલગ રહે છે.
ભટાર ચાર રસ્તા ખાતે ફાયરીંગ પહેલા હુમલાખોરો ભેગા થયા તે ફૂટેજની મદદથી પોલીસને સફળતા મળી
ખંડણી-ફાયરીંગની ઘટનામાં પ્રખર, સરચુ, જીગર અને તરૃણે પોલીસથી બચવા તમામ પ્રયાસ કર્યા હતા. ચોરીની મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી જીગર અને સરચું મોંઢુ ઢાંકી ફાયરીંગ કરવા ગયા હતા તેમજ ખંડણી- ધમકી માટે લૂંટેલા બે મોબાઇલ ફોનના સીમકાર્ડ બદલી ધમકી આપવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સનો જ સહારો લીધો હતો પરંતુ સફળતા તુરંત મળી ન હતી.
પોલીસે હુમલાખોરો ગુનો કરવા આવ્યા અને ગયા તે રૃટ ઉપરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે છેક ભટાર ચાર રસ્તા ખાતેના ફૂટેજમાં હુમલાખોરોના ચહેરા નજરે ચઢ્યા હતા. હુમલાખોરો ફાયરીંગ માટે આવ્યા તે પહેલા ભટાર ચાર રસ્તા ખાતે ભેગા થયા હતા. મોટરસાયકલ સવાર જીગર અને સરચુની પાસે આવી લાલ કલરની એકટીવા ઉપર એક યુવાન વાત કરતો નજરે ચઢતાં પોલીસે તેના આવવાના રસ્તાઓના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસતા એકટીવા ચાલક પ્રખરના સીટીલાઇટ સ્થિત આર્જવ એપાર્ટમેન્ટ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
તદ્ઉપરાંત, સરચુએ ખંડણી માટે જે ફોનનો ઉપયોગ કર્યો હતો તે ફાયરીંગ બાદ ગવિયર ખાતે ફેંકી દીધો હતો. ફોન જ્યાંથી મળ્યો અને ફાયરીંગ બાદ બીજો ધમકીનો ફોન થયો તે માર્ગ કાપવાનો સમય સરખો હોય પોલીસને કડી મળી હતી.
નાણાંકીય વ્યવહારોની વાત જાહેરમાં મોટા અવાજે કરવાની ભીમખ જૈનની આદતથી ટાર્ગેટ બન્યો
ભીખમ જૈનને જાહેર સ્થળે મોટેથી નાણાંકીય વ્યવહારોની વાત કરવાની ટેવ છે. સિલિકોન શોપર્સની કેન્ટીનમાં એક-બે વખત ભીખમ જૈન, યોગેશ્વર મૈસુરીયા અને સરચુ સાથે ચા પીવા ગયા હતા ત્યારે પણ ભીખમે મોટે મોટેથી પૈસાની વાત કરતાં યોગેશ્વર- સરચુએ ખંડણી માટેની યોજના બનાવી હતી અને અમલમાં મુકી હતી. જો કે, ફાયરીંગ કરવા માટે જે દિશામાંથી સરચુએ જવાનું હતું તેને બદલે બીજી દિશાએથી તે પ્રવેશતા ભૂલથી ભીખમને બદલે અશોક શાહ ઉપર ફાયરીંગ કર્યું હતું.
સરચુ વતન બિહારથી રૃા.૪૦ હજારમાં દેશી પિસ્તોલ લઇ આવ્યો
આરોપીઓમાં મૂળ બિહારનો પણ વર્ષોથી સુરતમાં રહેતો સરચુ જ વતન બિહારથી રૃ. ૪૦,૦૦૦માં દેશી પિસ્તોલ ખરીદી લાવ્યો હતો. સરચુએ જ ધમકીભર્યા ફોન કર્યા હતા. સરચુને યોગેશ્વરે ટીપ આપી હોય સરચુ તેને ખંડણીની રકમ મળ્યા બાદ ભાગ આપવાનો હતો.
પિસ્તોલ સાચવવા અપાઇ તે કાપડ વેપારીના પુત્રને બચાવવા ધમપછાડા
ફાયરીંગ કરનાર સરચુએ ફાયરીંગ બાદ પિસ્તોલ તેના મિત્ર માનવને આપી હતી. માનવના પિતા મોટા કાપડ વેપારી છે. તેને બચાવવા ઘણાં મોટા માથાએ દરમિયાનગીરી કરી હતી. ઉપરાંત કેટલાક પોલીસ અધિકારીઓની પણ ભલામણ હતી. પોલીસે હજુ સુધી માનવની ધરપકડ કરી નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




