વાશિંગ્ટન,તા.૨૪
અમેરિકામાં ચાલી રહેલા ઈમિગ્રેશન સંકટ વચ્ચે ભારતીય મૂળના સેનેટર કમલા હેરીસે કેલિફોર્નિયા ખાતે ફેડરેલ ડિટેઈન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓ કેલિફોર્નિયા ખાતેના ડિટેઈન સેન્ટરમાં બાળકોથી છૂટી પાડવામાં આવેલી માતાઓને મળ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ડિટેઈન સેન્ટરમાં ટ્રમ્પ શાસન દ્વારા કરવામાં આવી રહેલો વ્યવહાર માનવતાની વિરુદ્ધનો છે.
તેમણે વિખૂટા પડેલા પરિવારોને તાત્કાલિક ભેગા કરવા ટ્રમ્પ વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે. તેમણે કેલિફોર્નિયા ખાતે ઊભા કરવામાં આવેલા ઓટે મેસા ડિટેઈન સેન્ટરને ઊભી કરેલી જેલ ગણાવી હતી. તેમણે ડિટેઈનર્સ સાથે જેલના કેદી જેવી વર્તણૂક કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું જે માનવીય અધિકારોનું અવમૂલ્યન હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે ડિટેઈન સેન્ટર બહાર જમા થયેલા લોકોનાં ટોળાને જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસને તાત્કાલિક રીતે અમાનવીય વર્તણૂક બંધ કરવી પડશે. કમલાએ ડિટેનર્સને સમગ્ર સમાજ તેમની સાથે હોવાની હૈયાધારણ આપી હતી.
તેમણે બાળકોથી અલગ થયેલી માતાઓ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે માતાઓને તેમના બાળકો ક્્યાં છે એની પણ જાણ નથી. તેમની સાથે તેમનો સંપર્ક થઈ શકતો નથી જે બિલકુલ ધિક્કારણીય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





