ગોંડલ,તા.૧૧
દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલનાં સંત મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજનો ગુરૂવારે ૯૭મો પ્રાગટ્ય દિન હતો.ત્યારે મહારાજના આશીર્વાદ લેવા માટે ચેતેશ્વર પુજારા આવી પહોચ્યા હતાં અને હરીચરણદાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
પ્રસિદ્ધ સદગુરુ રણછોડદાસજી આશ્રમ રામજી મંદીરે પુ.હરીચરણદાસજી મહારાજના જન્મદિન પ્રસંગે સવારે પ્રાંત મુહુર્તમાં બાપુ દ્વારા સદગુરુદેવ પુ.રણછોડદાસજી બાપુની પ્રતિમાનું પુજન કરવામાં આવ્યું હતું. જે બાદ પુ.હરીચરણદાસજી બાપુ દ્વારા ભક્તગણને આશિર્વચન આપવામાં આવ્યું હતું અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ રામજી મંદીર ખાતે રામચરિત માનસ સમુહ પાઠનું આયોજન ચાલુ છે. જેમાં રોજીંદા હજારો ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યાં છે. પુ.બાપુ નાં પ્રાગટ્ય દિન નિમિત્તે બુધવારે સાંજથી ગુરૂવારે સવાર સુધી અખંડ રામધુનનું આયોજન કરાયું હતું.
પુ.હરીચરણદાસજીએ સન ૧૯૫૬માં ગોંડલ ખાતે પધારી રામજી મંદીર સદગુરુ દેવ રણછોડદાસજી આશ્રમ ખાતે દરીદ્રનારાયણ માટે અન્નક્ષેત્ર શરૂ કરી અલખની આરાધના સાથે સેવાની ધુણી ધખાવી હતી. આધુનિક આશ્રમને બદલે તેમણે ગરીબ લોકોને તબીબી સારવાર મળી રહે તેવાં માનવતાલક્ષી અભિગમથી વર્ષ ૨૦૦૪માં માનવ મંદિર સમા શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




