જામનગર,તા.૨૦
જામનગરમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઇને ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તેમના ટેકેદારો દ્વારા ભાજપનો ખેસ પહેરતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.
જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને વિધાનસભા પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલના પ્રચાર પ્રસાર અર્થે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સપના ગાર્ડન ખાતે જામનગર ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાજપના તેજાબી વક્તા અને કેન્દ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલા તેમજ પ્રદેશ ભાજપના ધવલ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર થયેલા તમાચાવાળી ઘટનાની પરષોતમ રૂપાલા દ્વારા નિંદા કરવામાં આવી હતી અને લોકશાહીના પર્વમાં સ્વચ્છ અને તંદુરસ્ત રીતે ચૂંટણી લડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



