કોલંબો,તા.૭
શ્રીલંકા સરકાર ફેક ન્યૂઝ અને હેટ સ્પીચ રોકવા માટે નવો કાયદો લાવવા જઇ રહી છે. તે કાયદા હેઠળ સોસિયલ મીડિયા પર ખોટી જાણકારી આપીને નફરત ફેલાવવાના દોષિત ઠરનારને પાંચ વર્ષની જેલની સજા થશે. તે ઉપરાંત તેના પર ૧૦ લાખ શ્રીલંકન રૂપિયા (ભારતીય રૂપિયા અંદાજે ૩.૯૨ લાખ) નો દંડ પણ લાગુ થશે.
સરકારે હજી આ બંને અપરાધોની પરિભાષા નક્કી નથી કરી. જાકે દંડ સંહિતામાં ટૂંકસમયમાં ફેરફાર થશે. ૨૧ એપ્રિલના રોજ ઇસ્ટર પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો પછી શ્રીલંકામાં સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ અને નફરત ફેલાવનારા નિવેદનોની વણઝાર ફૂટી નીકળી હતી. તેને કારણે અનેક સ્થાને મુસ્લિમ સમુદાયો પર હુમલા પણ થયા હતા. સરકારે આ હેતુસર ફેસબુક, ટિવટર અને વોટ્સએપ્ને તેમના બિનજવાબદાર વલણ બદલ જવાબદાર ઠેરવ્યા હતા.
શ્રીલંકામાં બનાવટી અહેવાલો રોકવા માટે સરકારને સોશિયલ મીડિયા પર નવ દિવસ પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી. તે દરમિયાન ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી પણ લીધી હતી. ઇસ્લામિક સ્ટેટે આરોપીઓની તસવીરો અને વીડિયો પણ જાહેર કર્યા હતા. વિવિધ માધ્યમોથી વીડિયો લોકો સુધી પહોંચતાં સરકારને યૂ-ટયૂબ પર પણ હંગામી પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી. ફેક ન્યૂઝનો સામનો કરવા સિંગાપુર સરકારે ગયા મહિને એક કાયદો પસાર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




