રાજપીપળા ન્યાયાલય ખાતેથી સ્ટેશન રોડ થઇ હરસિધ્ધિ મંદિર સુધી બેનર્સ સાથે અચૂક મતદાનના સંદેશા સાથે યોજાઇ જનજાગૃત્તિ રેલી
રાજપીપળા : ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના કાર્યક્રમ અન્વયે તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ આજે રાજપીપળા ખાતે સ્વીપ અંતર્ગત યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે રાજપીપલા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મતદાર જાગૃત્તિનાં બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ પર થઇ, હરસિધ્ધિ મંદિર સંકુલ નજીક પહોંચતા ત્યાં સમાપન થયું હતું.
સ્વીપનાં નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિારી ડૉ. નીપાબેન પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ તેમજ રાજપીપળાની પી.ટી.સી. કોલેજની વિદ્યાર્થીનીઓ અને બી.એડ. કોલેજનાં વિદ્યાર્થીઓ, શહેરની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો આ રેલીનાં સ્વરૂપમાં જિલ્લા ન્યાયાલય ખાતેથી આગળ વધીને સ્ટેશન રોડ પર થઇ, હરસિધ્ધિ મંદિર સંકુલ સુધી મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિમતી મતની અગત્યતા સાથે તા. ૨૩ મી એપ્રિલ,૨૦૧૯ ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.
મતદાર જાગૃત્તિ રેલીમાં “મતદાન – મહાદાન”, “તમારો અમૂલ્ય મત આપવાનું ભૂલશો નહીં”, “મતદાનનું મૂલ્ય સમજીએ, મતદાનની તક – ના ગુમાવીએ”, “યુવાઓનું મતદાન એ લોકશાહીની શાન છે”, “,લોકશાહી કરે પોકાર, મતદાન કરો કરી વિચાર”, “અમને મળ્યો છે મતઅધિકાર, અમે લાવીશું અમારી સરકાર”, “વૃધ્ધ હો યા જવાન – સૌ કરે મતદાન”, “આ સૌની જવાબદારી – મત આપે સૌ નર-નારી”, વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા. ૨૩ મી એપ્રિલે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તેવો સંદેશો આપ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




