સુરત,તા.૧૪
મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ૨૪ કલાક પાણી પુરી પાડવાની સેવા ૬ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પણ હજુ આ સેવાને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો. એટલું જ નહીં જે વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે ત્યાંના સ્થાનિકોને મસમોટી રકમ બીલમાં બતાવતા લોકોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.
આ વિસ્તારોમાં છેલ્લાં ૬ વર્ષમાં ફક્ત ૧૫ હજાર કરતા વધુ પાણીનાં કનેક્શનો આપવામાં આવ્યા છે. પણ આટલાં વર્ષો બાદ પણ ધાર્યુ પરિણામ મળી શક્યું નથી. લોકોને આ સેવા સામે ફરિયાદો એટલી બધી છે કે તેમનાં કહેવા પ્રમાણે તેમને પાણીની સામે દુધ-ઘી સસ્તુ પડે તેવું છે. અહીં પાણી માટે મીટર શરૂ કરતાં જ પહેલાંની મિનિટો ફક્ત એર જ જાય છે પણ પાણી આવતું નથી. જેનાં કારણે મીટર ફરતું રહે છે અને તેનું પણ બિલ ચઢે છે.
જે લોકોનાં ઘરે કનેક્શનનો વપરાશ થયો જ નથી તે લોકોને ત્યાં પણ ૧૦૦૦ રૂપિયા જેટલું બિલ આવે છે. જ્યારે અન્ય રહેવાસીઓને ત્યાં પણ ૫૦૦થી લઇને ૪૦૦૦ સુધીનાં મહિનાનાં બિલો આવતાં લોકો આ સેવાથી કંટાળી ચૂક્યા છે. ઉપરાંત જો બિલ ન ભરે તો ૧૮ ટકા વ્યાજ સાથે પેનલ્ટી આવે છે. જેથી કેટલાક સ્થાનિકોના બિલ તો ૧ લાખ રૂપિયા સુધી પણ પહોંચવા જાય છે. લોકોએ તો હવે આટલા બિલોથી કંટાળીને બિલો ભરવાનું જ બંધ કરી દીધું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





