ડાંગ જિલ્લામાં હેન્ડપંપની મરામત અંગે ફરિયાદ નિવારણ કન્ટ્રોલ રૂમ શરૂ થયો

0
7

પીવાના પાણીની અછત નિવારવા
ફરિયાદની નોંધણી સાથે તાકીદે નિવારણની વ્યવસ્થા ગોઠવાઈ
આહવા, તા.૯
વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની કોઇ વિકટ સમસ્યા ન સર્જાય તે માટે, પાણી પુરવઠા બોર્ડ હસ્તકના જિલ્લામાં આવેલા કુલ ૭૧૪૧ જેટલા હેન્ડપંપને કાર્યરત કરવા સાથે, હેન્ડપંપ મરામત અર્થે કંટ્રોલરૂમ શરૂ કરી તાલુકા તથા જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધણી અને તેના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરના વડપણ અને માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી સી.એન.પટેલ તથા તેમની ટીમ દ્વારા ચાલુ વર્ષના ઉનાળા દરમિયાન હેન્ડપંપને લગતી કોઇપણ સમસ્યાના ત્વરિત નિવારણ અર્થે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ અને સુબિર સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે હેન્ડપંપને લગતી ફરિયાદ નોંધાવવા માટે રજીસ્ટરો મુકીને, ફરિયાદ મેળવવાનું શરૂ કરાયુ છે. આ ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે તાલુકા દીઠ એક એક એમ ત્રણ જેટલી હેન્ડપંપ રીપેરીંગ માટેની ટીમ તૈનાત કરી, યુદ્ધના ધોરણે આવી ફરિયાદોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાલુકા કક્ષાએ ગોઠવાયેલી વ્યવસ્થાઓ ઉપરાંત જિલ્લા મથક આહવા ખાતે આવેલા જલભવન ખાતે પણ બીજા માળે કાર્યરત યાંત્રિક પેટા વિભાગની કચેરીમાં ફરિયાદ રજીસ્ટર નિભાવવા સાથે ટેલિફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૨૯, ને મોબાઇલ નંબર : ૯૯૭૮૪ ૪૩૨૭૯ ઉપર પણ હેન્ડપંપને લગતી ફરિયાદો લેવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ઉનાળા દરમિયાન જમીનમાં પાણીના તળ ડા ઉતરી જવાથી કેટલાક હેન્ડપંપ બિનઉપયોગી નિવડે છે, જ્યારે કેટલાક હેન્ડપંપ નાની મોટી યાંત્રિક ક્ષતિને કારણે બગડવા પામતા હોય છે. આવા હેન્ડપંપના મરામત અને નિભાવણી માટે ગોઠવાયેલી આ વ્યવસ્થાનો જિલ્લાના જરૂરિયાતમંદ પ્રજાજનોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY