સુરત,તા.૨૫
સુરતના રેલવે પરિસરમાં ગણતંત્ર દિન ૨૬મી જાન્યુઆરીના એક દિવસ પહેલા જ ૧૦૦ ફૂટની ઊંચાઈ ઉપર ૨૦ બાય ૩૦ ફૂટનો મસમોટો રાષ્ટ્રધ્વજ સાંસદ દર્શના જરદોષના વરદ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. વંદેમાતરમ અને ભારત માતાની જયના ઘોષ અને રાષ્ટ્રગીતના ગાન સાથે તમામ રેલવે અધિકારીઓ, ભાજપ આગેવાનોની હાજરીમાં તિરંગો ફરકાવાયો હતો. જે હવે ૨૪ કલાક આજીવન ફરકતો રહેશે.
દેશના તમામ એ-ગ્રેડ રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર સુધીમાં ૧૦૦ ફૂટની ઊંચાઇએ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. જેનું પાલન કરતા અમદાવાદ, ઇન્દોર, મુંબઇ સેન્ટ્રલ પર ૧૦૦ ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયો છે. આજે સુરત ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ, બોરીવલી અને અંધેરીમાં એક સાથે ફરકાવવાયો હતો.
આ પ્રત્યેક રાષ્ટ્રધ્વજના ઇન્સ્ટોલેશન પાછળ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ૨૪ કલાક ધ્વજ ફરકાતો રાખવાનો હોવાથી નિયમ મુજબ તેને પુરતો પ્રકાશ મળે તે માટે ૧૦૦ ફૂટ ઊંચા પોલ પર જ ફ્લસ લાઇટ પણ રાખવામાં આવી છે. આ ૧૦૦ ફૂટ ઊંચા પોલને ૨૫ વર્ષ સુધી આંચ આવશે નહીં. તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ડુમસ રોડ વાય જંક્શન પર આજથી દોઢ વર્ષ પહેલા ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય હર્ષ સંઘવીએ મુકાવ્યો હતો. હવે સુરતના રેલવે પરિસરમાં પણ આટલી જ ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. જેથી એક શહેરમાં બે ઊંચા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો એક વિક્રમ સ્થપાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



