વડોદરા,તા.૧૨
વડોદરા શહેરના જ્યુબિલી બાગની પાછળ સરદાર ભુવનના ખાંચા પાસે મંગળવારે ત્રણ માળનું મકાન ધરાશયી થઇ ગયું હતું. ધરાશયી થયેલા મકાનમાં ૬ દુકાનો તૂટી ગઇ હતી. કલરની દુકાનમાં બિલો બનાવી રહેલા દુકાન માલિકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં બે મજૂર દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
સરદાર ભુવનના ખાંચા પાસે આવેલા ત્રણ માળના જુના મકાનના મુખ્ય રોડની સાઇડમાં હોઝયરી, પ્રિન્ટીંગ પ્રેસ, કલર, ટેલર તેમજ કપડાંની દુકાનો હતી. મંગળવારે સવારે ૧૦-૪૫ વાગ્યાના સુમારે હોઝયરી, કલર તેમજ ટેલર અને કપડાની દુકાનો સમયસર ખૂલી ગઇ હતી. દુકાન માલિકો તેમજ કર્મચારીઓ પણ કામમાં વ્યસ્ત હતા. પ્રિન્ટીંગ પ્રેસમાં સમારકામ ચાલી રહ્યું હતું. આ સમયે પ્રચંડ ધડાકા સાથે મકાન તૂટી પડ્યું હતું. મકાન ધડાકા સાથે કકડભૂસ થતાં જ દુકાનોમાં કામ કરી રહેલા માલિકો અને કર્મચારીઓ દુકાનની બહાર નીકળી ગયા હતા. મકાન ધરાશયી થતાં જ રોડ પરની અન્ય દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ પણ બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. આ સાથે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને ૧૦૮ એમ્બ્યુલન્સને તૈનાત કરી દેવામાં આવી હતી. અમદાવાદી પોળથી નવાબજાર તરફ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





