વલસાડ,તા.૩
શુક્રવારે અને આજે શનિવારે એમ બે દિવસ માટે વલસાડમાં પાણીકાપ મૂકવામાં આવ્યો. પાણીકાપના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ઉનાળાના સખત તાપ વચ્ચે વાપીવાસીઓએ પીવાના પાણી માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉદભવી છે. વાપી પાલિકાની રજૂઆત બાદ મધુબન ડેમમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. જાકે, હજુ સુધી ન પહોંચતાં પાલિકાએ બે દિવસ શહેરમાં પાણી નહીં એવી જાહેરાત કરવી પડે છે. બે દિવસ સુધી લોકોએ પીવાના પાણીની વ્યવસ્થા જાતે કરવી પડશે. જવાબદાર અધિકારીઓના સંકલનના અભાવે જળ સંકટ ઊભુ થયું છે.
વાપીના ઉદ્યોગો અને શહેરીજનો પીવાના પાણી માટે દમણગંગા નદી પર નિર્ભર છે. પરંતુ હાલ દમણગંગા નદીમાં પાણીની અછત વર્તાઇ છે. દમણગંગા નદીમાં પાણી ખૂટતાંની સાથે જ પાલિકાએ મધુબન ડેમમાંથી પાણી છોડવા લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ મધુબન ડેમમાંથી પાણીનો જથ્થો ગુરૂવારે છોડવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી દમણગંગા નદીમાં આ જથ્થો પહોંચ્યો નથી. જેના પરિણામે શહેરમાં જળસંકટ ઊભુ થયું છે. પાલિકાએ શહેરમાં બે દિવસ પીવાનું પાણી આવશે નહીં તેની જાણ લોકોને કરી દીધી છે. ઉનાળાના ભરપુર તાપ વચ્ચે લોકોએ પીવાના પાણી માટે શુક્રવારે અને આજે શનિવારે બે દિવસ ફાંફા મારવા પડશે. જળના અભાવે ગૃહિણીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



