૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે

0
263

સુરતઃમંગળવારઃ-
હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.
એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.
સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY