કલોલ,
૧૧/૪/૨૦૧૮
સામાન્યતઃ શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને શિખવવાનું છે પરંતુ આજે એક એવી શાળાની વાત કરવી છે કે જે અન્ય અનેક શાળાઓ માટે આદર્શ બની શકે તેમ છે. વાત છે કલોલ ખાતે આવેલી ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ની. ‘શાળા’ શબ્દનું સ્મરણ થાય એટલે આપણા મનમાં એક ટિપિકલ શાળાની છાપ ઉપસી આવતી હોય છે કે જેમાં આગળ રમતનું મોટું મેદાન હોય, લોબીની ચોતરફ ફરતા હૉસ્પિટલના જનરલ-સ્પેશિયલ વોર્ડ જેવા કલાસરૂમ હોય અને એની પાસેથી કડક મુખમુદ્રામાં પસાર થતાં શિક્ષકો હોય ! મારા મનની આ છાપને ભૂંસી નાખી કલોલની આ હોલી ચાઈલ્ડ સ્કૂલે. ક્ષણેક તો એમ પણ થયું કે મારી શાળાનું વાતાવરણ પણ આવું હોત તો કેવી મજા પડી હોત !

ખેર, અમદાવાદ રીંગરોડથી અડાલજ તરફ આગળ જતાં મહેસાણા હાઈ-વે પર આવેલ કલોલ ગામના પંચવટી વિસ્તારમાં પ્રવેશતાંની સાથે ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’નું બોર્ડ નજરે ચઢે છે. ચારે તરફ ઊંચા એપાર્ટમેન્ટો, સોસાયટીઓ વચ્ચેથી પસાર થતાં કદાચ એમ લાગે કે આ જગ્યા તે વળી કઈ સ્કૂલ હશે ? પરંતુ તમે એક વાર શાળાના પરિસરમાં દાખલ થાઓ એટલે આખો માહોલ બદલાઈ જાય. ત્યાં પગ મૂકતાંની સાથે તમને એવો અહેસાસ જરૂર થાય કે, ‘યહાં પે કુછ બાત હૈ…..’

આ શાળા કંઈક ખાસ બની છે મેનેજિંગ ટ્રસ્ટીથી લઈને પ્યૂન સુધીના સૌ કોઈના ભરચક પ્રયાસોથી. પાઠ્યપુસ્તકના બે પૂઠાંઓ વચ્ચેથી બહાર નીકળીને વિદ્યાર્થીઓને જીવનલક્ષી કેળવણી આપવાનો ભાવ અહીંના દરેક સંચાલકોમાં દેખાય છે. એ સુદીર્ઘ દષ્ટિના પરિણામે જ શાળાના પરિસરમાં પ્રવેશતાં ટાગોર, ગાંધીજી જેવા મહાપુરુષોના ચૂંટેલા સુવાક્યો નજરે પડે છે. પરિસરમાં નાનકડો સરસ મજાનો બગીચો છે. મા સરસ્વતીનું મંદિર છે. પ્રત્યેક વસંત પંચમીના દિવસે ગામમાંથી વિશેષરૂપે પૂજારીશ્રીને બોલાવીને સરસ્વતી માતાનું પૂજન વિદ્યાર્થીઓની હાજરીમાં કરાવવામાં આવે છે જેથી શાળાના વિદ્યાર્થીઓ આપોઆપ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઝીલતા થાય. આ દિવસે વિદ્યાર્થીઓ સ્તોત્રગાન કરે છે. શાળાનો કોઈપણ કાર્યક્રમ એવો નથી કે જેમાં સંચાલકો શિક્ષકોને માથે બધું નાખીને પોતાની કેબિનમાં ચાલ્યા જતા હોય ! નાના-મોટા કોઈ પણ કાર્યક્રમમાં ટ્રસ્ટીગણથી લઈને શિક્ષક સૌથી સૌ કોઈ રસપૂર્વક ભાગ લે છે. તેમને માટે આ કાર્ય બોજ નથી અને કદાચ એટલે જ એમાં આત્મીયતાની સુગંધ વર્તાય છે. બાળકની નાનામાં નાની વાત અહીં ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે છે. શિક્ષક સાથે તે આત્મીયતાથી જોડાય છે. ઓછા પગારમાં બોજ વેંઢારતા હોય એવી રીતનું શિક્ષણ આજે જ્યાં ને ત્યાં મહાનગરોમાં નજરે ચઢે છે ત્યારે, આ શાળા પાસેથી અન્ય કેટલીયે શાળાઓએ કેળવણી કોને કહેવાય તે શીખવા જેવું છે !

એક અગત્યની બાબત એ પણ છે કે વિદ્યાર્થીને પોતાની શાળા શું છે એની બરાબર જાણકારી હોવી જોઈએ. મોટે ભાગે તો શાળાના કડક નિયમોને જ લોકો શાળાનું ગૌરવ માની બેસે છે ! જેમ નિયમો કડક એમ શાળા ઉત્તમ !…. આવો એક ભ્રમ ચાલ્યા જ કરે છે. મહાનગરોની શાળાઓમાં તો પ્રવેશતાંની સાથે જ સામે 25-30 નિયમોનું લાંબુ લચ્ચક લીસ્ટ નજરે ચઢે છે. ‘હોલી ચાઈલ્ડ સ્કૂલે’ આ બાબતે જુદો જ અભિગમ અપનાવ્યો છે. ધારો કે કોઈ નવું બાળક આ સ્કૂલમાં પ્રવેશે તો સૌથી પહેલાં તેની નજર પડે છે અહીંની જુદી જુદી પ્રવૃત્તિઓની માહિતી પર. આ શાળામાં થયેલા સમારંભો, આમંત્રિત મહેમાનો અને અનેક સાહિત્યકારો સાથે યોજાયેલી ગોષ્ઠિઓની વિગત સૌથી પહેલી દેખાય છે. અહીં આ કાર્યક્રમોના ફોટૉગ્રાફ્સ લેમિનેટ કરીને મૂકવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થી આપોઆપ પોતાની શાળા માટે ગૌરવનો અનુભવ થાય. સામાન્ય શાળાઓમાં એક કાચનું શૉ-કેસ હોય છે જેમાં ભાત-ભાતની નોટિસો લગાવવામાં આવી હોય છે. આ શાળાએ એમાં પણ સુધારો કર્યો છે. અહીં શૉ-કેસ છે પરંતુ એમાં છે લેટેસ્ટ પ્રકાશિત થયેલા ગુજરાતી પુસ્તકોની નકલો ! વાહ ભાઈ વાહ ! કોર્સવર્ડ બુકશૉપની જેમ તમને અહીં તાજા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી મળી રહે છે અને તે પણ બહાર લૉબીમાં હરતાં-ફરતાં ! હવે તમે જ કહો માતૃભાષાના સંવર્ધન માટે આનાથી વધુ સુંદર ઉપાય કયો હોઈ શકે ?

‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’માં શિક્ષણ સાથે જીવનલક્ષી કેળવણીને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. આ માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરીશભાઈ, ગુજરાતી વિભાગના આચાર્યા હેતલબેન, અંગ્રેજી વિભાગના આચાર્યા સંગીતાબેન અને સૌ શિક્ષકો સતત કાર્યરત રહે છે. એમની પાસે એક વિઝન છે, અને તેથી જ અહીં ઈતર વાંચનને આટલી અગત્યતા આપવામાં આવે છે. સર્જકોને આમંત્રિત કરીને વિદ્યાર્થીઓના આંતરિક રસને ખીલવવામાં આવે છે. અહીં ડિસેમ્બર માસ દરમિયાન પ્રતિવર્ષ ‘વિચાર સંધ્યા’ નામનો કાર્યક્રમ યોજાય છે; જેમાં આપણી ભાષાના મહાન સાહિત્યકારો, કવિઓ, સર્જકોને વિશેષ આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી રહેતો. તે વાલીમિત્રો તેમજ સૌ નગરજનો માટે ‘ઑપન-ફોર-ઑલ’ પ્રકારનો હોય છે. શ્રી જયભાઈ વસાવડા, શ્રી ગુણવંતભાઈ શાહ, શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની, શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી જેવા અનેક આદરણીય સાહિત્યકારોના વક્તવ્યોનો લાભ સૌને આ ‘વિચારસંધ્યા’ કાર્યક્રમ હેઠળ મળ્યો છે.

પુસ્તક વાંચન, પ્રચાર-પ્રસાર માટે આ શાળાનું એક બીજું સામાજિક યોગદાન છે, જે મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે – અને તે છે ‘બુક કોર્નર’. આ ‘બુક કોર્નર’ એટલે ઉત્તમ પુસ્તકો રાહતદરે ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થળ. લોકોને વાંચન વિશે જાગૃત કર્યા બાદ તેઓને પોતાના રસના વિષયના પુસ્તકો તો મળવા જોઈએ ને ? બીજને ખાતર-પાણી મળે તો એ વિકસે. આ ‘બુક કોર્નર’ સૌ કોઈના વિકાસ માટે કાર્ય કરે છે. તે વિદ્યાર્થીઓથી લઈને સૌ ગામના લોકો માટે છે. કદાચ મહાનગરમાં ન મળે એવા પુસ્તકો અહીં મળી જાય તો નવાઈ નહીં ! આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં એક સંસ્કાર દ્રઢ થયો છે કે તેઓ પોતાના પોકેટમનીમાંથી કોઈક સારું પુસ્તક ખરીદવાનો આગ્રહ રાખે છે. એક લે છે એનું જોઈને બીજો વિદ્યાર્થી લે છે. આ રીતે અંદર અંદર વાંચવાની સ્પર્ધા ઊભી થાય છે. પોતે વંચાઈ ગયેલા પુસ્તકો વિદ્યાર્થી એકમેકને આપે છે. માત્ર એટલું જ નહિ, મિત્રોના જન્મદિવસે પણ તેઓ તેમને પુસ્તક ગીફટમાં આપવાનો આગ્રહ રાખે છે. આ ‘બુક કોર્નર’નું એક વધારાનું એકસ્ટેન્શન છે ‘પુસ્તક મેળો.’ દર વર્ષે બે દિવસ દરમિયાન અહીં પુસ્તક મેળો યોજાય છે અને તેમાં આશરે દોઢથી બે લાખના પુસ્તકો રાહતદરે વેચાય છે. પુસ્તકમેળાનું ઉદ્દઘાટન કોઈ આદરણીય સાહિત્યકારના હસ્તે થાય છે અને ફરી એકવાર નગરજનો આ રીતે વાંચન સાથે કનેક્ટ થાય છે. માત્ર વિદ્યાર્થીમાં જ નહિ, સમાજમાં પણ એક શાળા ધારે તો કેવા પરિવર્તન લાવી શકે છે એ તમને અહીં જોઈને જ સમજાશાળાના ‘સંપર્ક’ નામના મુખપત્રથી તો આપણે પરીચિત છીએ જ કારણ કે તેમના આ ‘સંપર્ક’ સામાયિકમાંથી ઘણા મનનીય લેખો અહીં રીડગુજરાતી પર પ્રકાશિત થયા છે. આ ‘સંપર્ક’ સૌ વિદ્યાર્થીમિત્રોના ઘર સુધી પહોંચે છે. એક સાહિત્યિક સામાયિકનો દરજ્જો આપણે આપી શકીએ તે પ્રકારનું આ સામાયિક છે. આડકતરી રીતે તે બાળકને લખવા માટે પણ પ્રેરિત કરે છે કારણ કે દરેક બાળકમાં એવી ઈચ્છા ઉદ્દભવે છે કે હું પણ મારી સ્કૂલના સામાયિક માટે કંઈક લખું.
અગાઉ જણાવ્યું એમ અહીં વસંત પંચમીના દિવસે ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાય છે. આ કાર્યક્રમને ‘Initiation Function’ એવું નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વિદાય નથી આપવાની પરંતુ એક નવા પથ પર આગળ વધવા માટેની એક શુભ શરૂઆત કરવાની છે. આ હેતુથી તમામ વિદ્યાર્થીઓને એક પ્રમાણપત્ર અને સુંદર ભેટ પુસ્તક આપવામાં આવે છે. વિદાય પણ પુસ્તક વડે જ ! કેવી સુંદર વાત !
મારે આ ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જવાનું થયું ત્યારે મનમાં એમ થતું હતું કે હું એ લોકોને શું કહું ? સાહિત્ય કે વાંચનની વાત ગંભીરતાપૂર્વક કરું તો એ લોકો સમજી શકશે ખરા ? બહુધા તો મેં જોયું છે કે આવા સમારંભો ચંચળ બાળકો માટે મજાકનું સાધન જ બનતા હોય છે. વક્તાને જે બોલવું હોય તે બોલ્યા કરે અને બાળકો એમની ધમાલમાં મસ્ત હોય ! ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’માં મારો આ ભ્રમ પણ ભાંગી ગયો કારણે જ્યારે હું સ્ટેજ પર પહોંચ્યો ત્યારે આખો માહોલ જ જુદો હતો. બધા જ વિદ્યાર્થીઓ સહજ રીતે શાંત બેઠા હતા. કોઈ શિસ્તનું દબાણ નહોતું પરંતુ કદાચ તેઓના કાન આ પ્રકારના વક્તાઓને સાંભળીને કેળવાયેલા હતા. આ અગાઉ થયેલા કાર્યક્રમોની આ અસર હતી. મને મનમાં થયું કે આ તો સરસ બેટિંગ પીચ છે !
મેં ધ્યાનપૂર્વક જોયું કે સ્ટેજ પાસેની આગલી હરોળમાં બેઠેલી એક વિદ્યાર્થીની સતત રડી રહી હતી. કદાચ કોઈ તકલીફ હશે, બીમારી હશે, ઘરની કોઈ સ્મસ્યા હશે… પરંતુ ના…. જેમ જેમ શિક્ષકો અને આચાર્યોના વક્તવ્યો અપાતાં ગયાં તેમ તેમ આખો માહોલ વધુ ભાવુક બની ગયો. ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની આંખોમાં મેં આંસુ જોયાં. મેં જોયું કે કન્યાવિદાય વખતે જેમ માતાપિતાનાનું દિલ ભરાઈ આવે તેમ શાળાના શિક્ષકો અને આચાર્યાઓના ગળે ડૂમો બાઝી ગયો હતો. જે વિદ્યાર્થીનીઓ પોતાના કંઈક અનુભવો વ્યક્ત કરવા ઊભી થઈ હતી તે બે-ચાર વાક્યોથી વધુ બોલી શકતી નહોતી. અહીં શબ્દો પર ભાવનો વિજય થયો હતો. મારા માટે આ દ્રશ્ય સાવ નવું હતું. મહાનગરોની શાળાઓમાં તો બધે ‘પ્રોફેશનલ’ એપ્રોચ હોય છે. આટલા રૂપિયા ભર્યા છે તો બે-વાર રિવિઝન કેમ ન કરાવે ? – એવો બિઝનેસ કોન્ટ્રાક્ટ કહેવાતી ઉચ્ચ શાળાઓમાં આજે જોવા મળે છે. એના બદલે પરસ્પર આટલો ભાવ, શુદ્ધ પ્રેમ, આટલી આત્મિયતા ! ધન્ય છે આ શાળાને ! બાળકોની આંખો ભીની હતી કારણ કે તેઓ નાનપણથી ત્યાં મોટા થયા હતાં, એ જ મેદાનમાં રમ્યા હતા, ધમાલ કરી હતી, દોસ્તોની મજાક કરી હતી, ચિત્રો દોર્યા હતા, વાર્તાહરીફાઈમાં ભાગ લીધો હતો…… કેટલું બધું છોડીને આજે જવાનું હતું. શાળાને વિદાય કહીને બહારની દુનિયામાં પગ મૂકવાનો હતો. આજે જગત જ્યારે સંવેદનાવિહીન બનવા જઈ રહ્યું છે ત્યારે સંવેદનાના આવા ભાવસભર દ્રશ્યો દુર્લભ થતા જાય છે. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. આ ભાવથી જ મહાનુભાવો પેદા થાય છે. આજે તો શાળાઓને પોતાનું નામ થાય એની પડેલી હોય છે…. હકીકતે શાળા એને કહેવાય જે વિદ્યાર્થીની ચેતનાને ઉજાગર કરે… એ વિકસિત થાય એટલે શાળાનું નામ આપોઆપ રોશન થવાનું જ છે. શાળાઓને પ્રવૃત્તિઓના નામે અન્ય શાળાઓ જોડે સ્પર્ધા કરવાની જરૂર નથી. શાળાનું કામ છે ભાવસેતુ નિર્માણ કરવાનું.
આ ‘Initiation Function’ ના અંતિમ ચરણમાં મારે નાનકડું વક્તવ્ય આપવાનું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓને વાંચન માટે વધુ પ્રેરિત કરવાની ઈચ્છા હતી. જો કે અત્યારે મને એ આખું વક્તવ્ય તો યાદ નથી રહ્યું પરંતુ જે કંઈ સહજ રીતે કહેવાયું તેમાંથી જેટલું સ્મરણમાં છે તે અહીં રજૂ કરીને આ લેખને વિરામ આપું છું
હોલી ચાઈલ્ડ સ્કૂલ,
પંચવટી, કલોલ, જિ. ગાંધીનગર – 382721.
ફોન : +91 2764 250258
મેનેજિંગ ટ્રસ્ટી : શ્રી હરીશભાઈ બ્રાહ્મભટ્ટ (મોબાઈલ : +91 9426549177)
મૃગેશ શાહ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





