અમદાવાદ,
તા.૧૩/૪/૨૦૧૮
ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કર્ણાવતી દાબેલીની દુકાનમાં મોડી રાતે શોર્ટસર્કિટથી આગ લાગતાં દુકાનમાં સૂઈ રહેલા યુવકનું આગમાં બળી જવાથી મોત નીપજ્યું છે.
શોર્ટસર્કિટથી આગ લાગતાં યુવક બહાર નીકળવામાં અસફળ રહ્યો હતો અને દુકાનમાં નીચે પડી જતાં આગની જ્વાળામાં લપેટાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. સોલા પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી તુલસી રેસિડન્સીમાં ભવરલાલ કલાલ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ પુત્ર છે. ભવરલાલ ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસે આવેલા કીર્તિ કોમ્પ્લેક્સમાં કર્ણાવતી દાબેલી નામની દુકાન ચલાવે છે.
સાંજે ભવરલાલ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બે કારીગર વિશાલ અને નરેશ તેમજ ભવરલાલનો મોટો પુત્ર રાહુલ (ઉ.વ. ૧૮) મોડી રાતે દુકાનમાં સૂઈ ગયા હતા. દરમિયાનમાં રાતના ૨.૩૦ વાગ્યાની આસપાસ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી.
આગ લાગતાં વિશાલ અને નરેશ ઊભા થઈને દુકાનની બહાર દોડી ગયા હતા, જ્યારે રાહુલને તેઓએ બૂમાબૂમ કરી બહાર નીકળવા જણાવ્યું હતું. રાહુલ ઊભો થઈ દુકાનની બહાર નીકળવા જઈ રહ્યો હતો, પરંતુ બહાર નીકળવા જતાં તે નીચે પડ્યો હતો અને આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો.
ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ત્રણ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. ફાયરની ટીમે આગને કાબૂમાં લઈ રાહુલની લાશને પીએમ માટે મોકલી આપી હતી. આગમાં બળી જવાના કારણે રાહુલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સોલા પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આગ શોર્ટસર્કિટથી લાગી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.v
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








